તેને અહીં સમજાવે છે કે-ભાઈ, આ માર્ગ જુદો છે. જેને આવો માર્ગ દ્રષ્ટિમાં બેસી જાય તેનું કલ્યાણ થઈ જાય એવી વાત છે. અહીં કહે છે કે જે જ્ઞાનની પર્યાયમાં બાર અંગ જણાય, દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય, બધા પર જણાય, એ જ્ઞાન જ્ઞેયરૂપ નથી પણ આત્મરૂપ છે. એ જ્ઞાન અનાત્મરૂપ જ્ઞેયનું નથી પણ આત્માનું જ છે. તેથી અન્યપક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ વાત સિદ્ધ થાય છે. ‘જ્ઞાનની પર્યાય તે આત્મા’ એ વ્યવહાર છે અને તે વ્યવહાર પરમાર્થ આત્માને બતાવે છે.
દયા, દાન આદિ કષાયમંદતાના પરિણામને જ્ઞાન જાણે છે, ત્યાં કષાયમંદતા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. કષાયમંદતાનું જ્ઞાન થયું ત્યાં જ્ઞાનની પર્યાયને એની સાથે સંબંધ નથી. કષાય તો અચેતન છે અને જ્ઞાન ચેતન છે. માટે જ્ઞાનની પર્યાયને કષાયમંદતા સાથે સંબંધ નથી. કષાયમંદતા કર્તા અને જ્ઞાન તેનું કર્મ, એમ નથી. જ્ઞાનની પર્યાય એ આત્માનું કર્મ છે અને તે આત્માને બતાવે છે. તેથી આ ‘જ્ઞાન તે આત્મા’ એટલો જે વ્યવહાર કરવામાં આવે છે તે પરમાર્થને જ બતાવે છે.
માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’ એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. ‘જ્ઞાન તે આત્મા છે’ આમ ભેદથી કહેનારો વ્યવહાર પરમાર્થમાત્ર આત્મા જ બતાવે છે, તેનાથી ભિન્ન અધિક કાંઈ બતાવતો નથી.
હવે કહે છે-વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય છે. અનંતશક્તિનો પિંડ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અખંડ એકરૂપ પરમાર્થ વસ્તુ છે. તે અનુભવગમ્ય છે. તેનું કથન કરવું શી રીતે? તેને ભાવશ્રુતજ્ઞાનથી પકડી અનુભવે એ પણ પરમાર્થ છે, સત્ય છે. એ તો નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે. પરંતુ એ પરમાર્થ અનુભવનું કથન કરવું કેવી રીતે? એવા પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને તે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે માટે પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.
જે જ્ઞાનની પર્યાય સર્વશ્રુતને જાણે તે આત્મા છે. તે જ્ઞાન ત્રિકાળી જ્ઞાયકને જણાવે છે. પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી દ્રવ્યશ્રુતનું જ્ઞાન જે છે-તે જ્ઞાન દ્વારા આત્માને જાણે તે શ્રુતકેવળી છે એમ ભેદ પાડી સમજાવવામાં આવે એ વ્યવહાર છે. આમ પરમાર્થને કહેનારો વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. ત્રિકાળી જ્ઞાયક એકનું જ અનુસરણ કરવું તે પરમાર્થ છે.