Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 138 of 4199

 

ભાગ-૧ ] ૧૩૧

દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામ તે શુભરાગ છે, તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. વળી આ દયા પાળે તે આત્મા, ભક્તિ કરે તે આત્મા એમ પણ નથી. એ તો રાગની ક્રિયા છે, તે આત્મા નહીં, અહીં કહે છે કે ‘જ્ઞાન તે આત્મા’ એમ જાણવું એ વ્યવહાર છે. તે વ્યવહારનું લક્ષ છોડી દઈ ત્રિકાળી અખંડની દ્રષ્ટિ કરવી તે પરમાર્થ છે, સત્ય છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાને લીધે દ્રઢપણે સ્થાપિત છે. એ રીતે વ્યવહાર છે ખરો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. વ્યવહાર જે પરમાર્થ વસ્તુને બતાવે તે પરમાર્થ એક જ આદરણીય છે એમ જાણી, વ્યવહારનો આશ્રય છોડી એક પરમાર્થનો જ અનુભવ કરવો. * ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે

એ તો પરમાર્થ છે, નિશ્ચય છે. અહીં શાસ્ત્રજ્ઞાનથી કહ્યું ત્યાં ભાવશ્રુતજ્ઞાન જાણવું. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કેમકે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઇ ન કહ્યું. આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે. વ્યવહારે પણ તે જ્ઞાયકને જ જાણવાનું કહ્યું, પરમાર્થને જાણવાનું કહ્યું. ત્રિકાળીને પર્યાયથી જાણવો. જાણનાર પોતે પર્યાય છે, કેમકે કાર્ય તો પર્યાયમાં થાય છે. આ રીતે વ્યવહારે પણ એક ધ્રુવસ્વભાવને જાણવાનું કહ્યું છે, બીજું કાંઈ કહ્યું નથી. અહા! વીતરાગ જૈન પરમેશ્વરે કહેલા માર્ગની કથનશૈલી તો જુઓ! જગત પાસે આ ધર્મની વાત બીજી રીતે મૂકાઈ છે. અન્ય માર્ગ જૈનમાર્ગ તરીકે મૂકાયો છે. પણ એ જૈનમાર્ગ નથી. દિગંબર સંતોએ જે બતાવ્યો તે જ સાચો જૈન વીતરાગ માર્ગ છે. અહો! દિગંબર સંતોએ માર્ગને ન્યાય અને યુક્તિથી અતિ સ્પષ્ટ સમજાવ્યો છે. પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. પૂર્ણાનંદનો નાથ, અખંડ, એક, અભેદ વસ્તુ તે અનુભવની ચીજ છે, તેને વચન દ્વારા કેવી રીતે કહેવી? તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે સ્પષ્ટ કહે છે. ‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ પાડી વ્યવહારનય જ આત્માને જણાવે છે. આવો માર્ગ યથાર્થ જાણે નહીં તેનું મનુષ્યપણું એકડા વિનાનાં મીંડાંની જેમ નિરર્થક છે, નિષ્ફળ છે. માટે આવું વસ્તુસ્વરૂપ યથાર્થ સમજી પરમાર્થનો વિષય જે અભેદ, એક, શુદ્ધ આત્મા તેને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે, મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે.