Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1330 of 4199

 

સમયસાર ગાથા-૧૩૯-૧૪૦ ] [ ૨૬૯ પુદ્ગલ પણ પરિણમાવે એમ નથી. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલના કર્મરૂપ પરિણામ થતા નથી પણ એકલું પુદ્ગલ જ પોતે સ્વતંત્રપણે કર્મપર્યાયપણે પરિણમે છે.

૨. જ્યારે જીવ પોતે રાગ-દ્વેષના પરિણામરૂપે પરિણમે છે ત્યારે જૂના પૌદ્ગલિક કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. ત્યાં જીવ અને પુદ્ગલકર્મ બંને મળીને જીવને રાગ-દ્વેષરૂપે પરિણમાવે છે એમ નથી. જીવ એકલો જ પોતે પોતાથી સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તો ત્યારે નિમિત્તમાત્ર છે.

અહાહા...! કેટલી સ્પષ્ટ વાત છે! જીવ અને કર્મનો ઉદય બંને મળીને જીવના રાગ-દ્વેષ પરિણામ થાય છે એમ નથી. આત્મા સ્વયં પોતાથી વિકાર કરે છે; કર્મના નિમિત્તથી (કરાવેલો) વિકાર થાય છે એમ નથી.

જુઓ, આ લાકડી ઊંચી થાય છે તે ક્રિયા છે. તે લાકડીથી (પરમાણુઓથી) સ્વતંત્ર થઈ છે. તે ક્રિયા લાકડીથી પણ થઈ છે અને આંગળીથી પણ થઈ છે-એમ બંને મળીને થઈ છે એમ નથી. તથા તે ક્રિયા લાકડીથી થઈ છે અને જીવથી થઈ છે એમ પણ નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે તેની એકેક સમયની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, બીજાથી નહિ. બીજાની પર્યાય બીજાથી છે, જીવથી નથી અને જીવની પર્યાય જીવથી છે બીજાથી નથી.

આ શેઠીયાઓને આવી વાતનો નિર્ણય કરવાની ફુરસદ કયાં છે? જેમ મોભને અનેક ખીલા લાગે તેમ બહારની મોટાઈમાં રોકાયેલા તે બિચારાઓને મમતાના અનેક ખીલા લાગ્યા છે. એ તત્ત્વનિર્ણય કયારે કરે? અહીં કહે છે-કર્મ છે તે અજીવતત્ત્વ છે, રાગાદિ ભાવ છે તે આસ્રવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન છે. અજીવ અને આસ્રવ બંને મળીને જીવના આસ્રવપરિણામ થાય એમ છે જ નહિ. આ નવતત્ત્વની ભિન્નતા સમજાવી છે. અરે ભાઈ! એક તત્ત્વનો એક અંશ પણ બીજામાં મેળવવાથી તો નવ તત્ત્વનો નાશ થઈ જશે, નવતત્ત્વ ભિન્ન રહેશે નહિ. (અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે) જડનો અંશ જીવને વિકાર કરાવે વા જીવનો અંશ જડનું કાંઈ કરે એમ ત્રણકાળમાં સંભવિત નથી.

જેને હજુ ભિન્ન તત્ત્વોનું જ્ઞાન નથી તેને પોતાના શુદ્ધ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કયાંથી થઈ શકે? અહા! પર્યાયની સ્વતંત્રતાનું જેને જ્ઞાન નથી તેને પર્યાયની પાછળ આખું ત્રિકાળી ધ્રુવ દળ ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપે રહેલો છે તેની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. નવે તત્ત્વની ભિન્નતા સમજી એક શુદ્ધ જ્ઞાયકની પ્રતીતિ-અનુભવ કરવાં તે સમ્યગ્દર્શન છે.

અહીં નિષ્કર્ષરૂપે એમ કહે છે કે-‘જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.’