૨૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
‘જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિ પરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.’
પુદ્ગલકર્મનો ઉદય જોકે જીવના રાગપરિણામનું નિમિત્ત છે તોપણ એનાથી રાગદ્વેષના પરિણામ જીવને થાય છે એમ બિલકુલ નથી. લોકો, ‘નિમિત્ત તો છે, નિમિત્ત તો છે’-એમ કહીને નિમિત્તને કર્તા માને છે તે એમની મોટી ભૂલ છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ બિલકુલ નથી. દરેક સમયની પર્યાય પોતાથી થાય છે એમાં બીજી ચીજ નિમિત્ત હોય છે. ત્યાં નિમિત્ત પોતે પોતાની પર્યાયને કરે છે પણ પરની પર્યાયમાં કાંઈ કરતું નથી. પરની પર્યાયમાં નિમિત્તનો કાંઈ અધિકાર કે હસ્તક્ષેપ ચાલતો નથી.
જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલો છે. તે એકેક દ્રવ્યમાં અનંત ગુણો છે. તે એકેક ગુણની એકેક સમયની એકેક પર્યાય પોતાથી સ્વતંત્રપણે થાય છે. એક ગુણની જે પર્યાય થાય તે બીજા ગુણની પર્યાયને લીધે થાય એમ નથી. આમ છે તો પછી જડ કર્મના ઉદયના કારણે જીવમાં વિકાર થાય એ વાત કયાં રહી? એમ છે જ નહિ.
જૂનાં કર્મનો ઉદય છે તે જડ પુદ્ગલની પર્યાય છે, અને આત્મા જે રાગાદિ વિકાર કરે તે ચૈતન્યની વિકારી પર્યાય છે. હવે જો કર્મનો ઉદય અને જીવ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ માનવામાં આવે તો જીવ અને પુદ્ગલકર્મ બંનેને રાગદ્વેષના પરિણામ આવી પડે, પણ એમ તો ત્યારે બને કે પુદ્ગલ પોતે જીવરૂપ થઈ જાય. પરંતુ પુદ્ગલ કદીય જીવભાવને પામી શકતું નથી, તેથી કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે એ માન્યતા યથાર્થ નથી. જીવ પોતે વિકારરૂપે પરિણમે ત્યારે સાથે કર્મનો ઉદય પણ એમાં કાંઈક કરે છે એ માન્યતા ખોટી છે.
કોઈ બે જણ વચ્ચે કલેશ (ઝગડો) થાય તો બન્નેનોય વાંક હશે એમ લોકો કહે છે, તેમ અહીં પણ બંને-જીવ અને પુદ્ગલ મળીને રાગ-દ્વેષના પરિણામ થાય છે એમ કોઈ કહે તો તે તદ્ન જૂઠી વાત છે. કાર્મણવર્ગણાગત પુદ્ગલો સ્વયં નવાં કર્મપણે બંધાય છે અને તેમાં જીવના રાગ-દ્વેષના પરિણામ નિમિત્ત છે; અને જીવ સ્વયં રાગ-દ્વેષરૂપે પરિણમે છે તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત છે. બસ આટલું જ. કર્મનો ઉદય અને જીવ બંને મળીને જીવને પરિણમાવે છે એમ કોઈ માને તો તે જૂઠી માન્યતા છે.
માટે સિદ્ધ થયું કે પુદ્ગલકર્મથી જુદું જ જીવનું પરિણામ છે. લ્યો, ૧૩૯-૧૪૦ પૂરી થઈ.