સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૮૭ ઝીણી પડે, પણ શું થાય? (ફુરસદ લેવી જોઈએ). ભાઈ! જગતથી તદ્ન જુદી એવી આ પરમ સત્ય વાત બહાર આવી છે. કહે છે-તું અંદર પ્રભુ છો ને! તારું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. અરે! હું પરમાત્મસ્વરૂપ છું એવો વિકલ્પ પણ કયાં એને સ્પર્શે છે? અહાહા...! વસ્તુ છે ત્રિકાળ જે દ્રવ્યસ્વભાવ તેમાં કર્મનો સંબંધ છે જ નહિ. અહીં કહે છે કે હું કર્મના સંબંધરહિત અબદ્ધ છું એવો જેને વિકલ્પ છે તે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા વિકલ્પને છોડે છે, પણ ‘અબદ્ધ’ના વિકલ્પને છોડતો નથી. આવો આ માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ! ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો-તેને ‘હું આવો છું’ એવો વિકલ્પ વિઘ્નકર્તા છે.
હવે ત્રીજો બોલ કહે છે-પાઠમાં બે બોલ છે. ટીકાકાર આચાર્ય ત્રણ બોલથી વર્ણન કરે છે.
‘‘વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો વિકલ્પને અતિક્રમતો નથી.’’ જુઓ, -
૧ જીવમાં કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરનાર અબદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી.
૨ જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરનાર બદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી, અને
૩ જીવમાં કર્મ બદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરનાર તે બંને પક્ષને નહિ અતિક્રમતો થકો વિકલ્પને છોડતો નથી. બન્નેના પક્ષમાં ઊભો છે તે વિકલ્પને અતિક્રમતો નથી.
આ પ્રમાણે નયપક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે અને વિકલ્પ છે તે સંસાર છે. વિકલ્પ છે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે.
૧ બદ્ધસ્પૃષ્ટ છું એવો વિકલ્પ અથવા ૨ અબદ્ધસ્પૃષ્ટ છું એવો વિકલ્પ અથવા ૩ બદ્ધ છું અને અબદ્ધ પણ છું એવો વિકલ્પ-એ સઘળા વિકલ્પ સંસાર છે, કેમકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં આ બધા વિકલ્પોનો અભાવ છે. અહાહા...! વ્રત કરવાં, દયા પાળવી, ભક્તિ- પૂજા કરવાં ઇત્યાદિ શુભના સ્થૂળ વિકલ્પો તો કયાંય (સંસાર ખાતે) રહી ગયા; અહીં તો જેવી વસ્તુ છે તેવો વિકલ્પ ઊઠે તે પણ જીવને નુકશાનકર્તા છે. સમજાય છે કાંઈ....? આ તો સર્વજ્ઞનો માર્ગ બાપુ! ધર્મ બહુ સૂક્ષ્મ ચીજ છે ભાઈ! શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને કે-
અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.