સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૯ પક્ષ છે. ભગવાન આત્મા પરમ પવિત્રસ્વરૂપ પ્રભુ પર્યાયમાં રાગ-દ્વેષ-મોહ સહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. હવે કહે છે-
આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેમાં મોહ નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે.
જીવમાં મોહ છે એ વ્યવહારનયનો પક્ષ છે. એનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં હવે શુદ્ધ પરમાત્મદ્રવ્યમાં મોહ નથી એવા નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કરવામાં આવે છે. આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમય પ્રભુ પવિત્રતાનું ધામ છે, તેમાં મોહ નથી એવો જે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ એક વિકલ્પ છે, રાગ છે અને તે બંધનું કારણ છે. હું મોહી નથી એવો જે વિકલ્પ થાય તે શુભરાગ છે અને તે મારું કર્તવ્ય છે એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. આકરી વાત પ્રભુ!
ભાઈ! જન્મ-મરણના અંતનો માર્ગ કોઈ જુદી જાતનો છે. દયા, દાનના વિકલ્પથી પુણ્યનો બંધ થાય છે; પણ એનાથી ભવિષ્યમાં કર્મનો ક્ષય થશે એમ કોઈ માને તો તે મિથ્યા અભિપ્રાય છે. આત્મા મોહરહિત ચૈતન્યમૂર્તિ ભગવાન છે-એવા નિશ્ચયનયના પક્ષમાં જે ઊભો છે તે વિકલ્પમાં ઊભો છે. એ વિકલ્પ બંધનું કારણ છે, મુક્તિનું નહિ.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે.
જુઓ, કોઈ મહાવ્રતાદિ અંગીકાર કરે અને તેની બાહ્ય ક્રિયાના વિકલ્પ-રાગ મારા છે અને એનાથી મારું કલ્યાણ થશે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આ સ્થૂળ વાત થઈ.
અહીં સૂક્ષ્મ રાગ છે તે છોડવાની વાત છે. હું એક અભેદ આત્મા છું, મોહ રહિત છું એવો જે વિકલ્પ થાય તે રાગ છે, તે નયપક્ષ છે, અને તે બંધનું કારણ છે, જન્મ-મરણની સંતતિને વધારનાર છે. જ્ઞાની આ બન્ને નયપક્ષને છોડી દઈ ચૈતન્યસ્વરૂપ આત્માને તેવો જ અનુભવે છે.
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે. ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
જે તત્ત્વવેદી એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અનુભવનારો-સ્પર્શનારો છે તે બંને નયોના પક્ષપાત રહિત થયો છે. અહાહા...! બન્ને નયોના પક્ષપાતનો જેણે ત્યાગ કર્યો છે તે ચિત્સ્વરૂપ આત્માને તે જેવો છે તેવો ચિત્સ્વરૂપ જ અનુભવે છે, અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી મંદિરો બનાવે, ઉત્સવો ઉજવે, વરઘોડા કાઢે, વાજાં વગડાવે ઇત્યાદિ બહારની ધમાલ તો રાગ છે, ધર્મ નથી. એ બધી ઉપર-ઉપરની ક્રિયાઓ છે અને એમાં કદાચ શુભભાવ હોય તો તે પુણ્યબંધનું કારણ છે પણ ધર્મ નથી. આવી વાત છે.