સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૧૩ તન્મય-એકમેક નથી. અજ્ઞાની માને કે જીવ રાગસ્વરૂપ છે, પણ જીવ તો ચિત્સ્વરૂપ જ છે અને જ્ઞાની પોતાને ચિત્સ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે-
નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. નયપક્ષનો જેણે ત્યાગ કર્યો છે એવો ધર્મી જીવ ચૈતન્યમય જીવને જેવો છે તેવો જ અનુભવે છે અને તેનું જ નામ ધર્મ છે. વિકલ્પ વખતે પણ જ્ઞાની તેનું જ્ઞાન કરનારો જ્ઞાનસ્વરૂપે જ રહે છે.
ભીંત ઉપર જે ખડી લગાવે છે તે ખડીથી દિવાલ ભિન્ન જ છે. તેમ જગતના પદાર્થોને જાણનાર જ્ઞાની જગતથી તદ્ન ભિન્ન છે. જગત અને રાગના વિકલ્પોમાં તે એકમેક થતો નથી, પણ ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે.
‘नित्यः’ જીવ નિત્ય છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ નિત્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ અવિનાશી નિત્ય છે એ વાત તો બરાબર છે પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે. નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પને પણ તોડી નાખે તો ચિત્સ્વરૂપ જીવની પ્રાપ્તિ થાય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ નિત્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનિત્ય છે, ક્ષણ વિનાશી છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વ્યવહારનો વિકલ્પ તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ, પણ જીવ નિત્ય છે એવો ચિંતનરૂપ વિકલ્પ પણ અહીં છોડવાની વાત છે, કેમકે એવો વિકલ્પ પણ રાગ છે, દુઃખદાયક છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને પક્ષરૂપ વિકલ્પો છે તે દુઃખદાયક છે. વિકલ્પ વસ્તુના સ્વરૂપમાં નથી. માટે નિત્યનો પણ વિકલ્પ છોડી નિત્ય જે વસ્તુ છે તેનું વેદન કર. પર્યાયમાં નિર્વિકલ્પ વેદન થાય તે ધર્મ છે. ‘નિત્ય’નું વેદન છોડીને ‘નિત્ય’ના વિકલ્પમાં ઊભા રહેવું તે અધર્મ છે.
અમૃતનો સાગર ભગવાન આત્મા છે. તેમાં નયનો વિકલ્પ ઉઠાવવો તે અમૃત-સાગરથી વિરુદ્ધ ભાવ છે. ભાઈ! શુકલ લેશ્યાના શુભ પરિણામ થાય તે વિરુદ્ધ ભાવ છે. આ જીવ એવા શુકલ લેશ્યાના શુભ પરિણામ અનંતવાર કરી ચૂકયો છે. પણ એ બધું બંધનું જ કારણ બન્યું છે. જે સર્વ નયપક્ષના વિકલ્પને છોડી સ્વરૂપસન્મુખ થાય તેને ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ અનુભવાય છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. વિકલ્પ તો