૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
‘अयं अवबोध–सुधाप्लवः’ આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાનસુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાં) ‘स्वयं’ સ્વયં ‘उदेति’ ઉદય પામે છે.
જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વભાવરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વયં ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હઠીને અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થકું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા...! કહે છે કે જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ભગવાન આત્મા વસ્તુપણે સહજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યગ્જ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યગ્જ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યગ્જ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્ય- પાપના બન્નેય ભાવ પરિતાપ અને અશાંતિમય છે.
અહાહા...! જેનો સર્વજ્ઞ-સર્વદર્શીપણાનો સ્વભાવ છે એવો જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ‘स्वयं उदेति’ એમ ભાષા છે ને! મતલબ કે વ્યવહારરત્નત્રય છે તો જ્ઞાનસુધાંશુ પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય હો ભલે, પણ એને લઈને અહીં નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય તો નિમિત્તમાત્ર છે. જેમ કોઈ દ્રવ્યના કાર્યકાળે બાહ્ય અન્ય નિમિત્ત હોય છે પણ તે નિમિત્ત કાંઈ કરતું નથી તેમ વ્યવહારરત્નત્રય બાહ્ય નિમિત્ત છે પણ એ કાંઈ (-નિશ્ચયરત્નત્રય) કરતું નથી. અહો! કલશ દીઠ અને ગાથા દીઠ આવી વાત છે! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે!
ભાઈ! ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે આ છે. જરા મધ્યસ્થ થઈને સત્યને શોધવું હોય તેને કહીએ છીએ કે-પહેલાં પક્ષ (નિશ્ચય) તો કર કે માર્ગ આ છે, વસ્તુ આ છે; તો એનું લક્ષ થઈને દક્ષ થશે. પણ જ્યાં પક્ષ (નિશ્ચય) જ નથી, રસ્તો જ ઊંધો પકડયો છે એને માર્ગની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાન! આ તારા હિતની વાત છે હોં. ભાઈ! વ્યવહાર-પુણ્યના પરિણામને લઈને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. ‘स्वयं उदेति’-શીતળ ચંદ્રમાની જેમ જ્ઞાનસુધાંશુ વ્યવહારરત્નત્રયની કે અન્યની અપેક્ષા કર્યા વિના સ્વયં સમ્યગ્જ્ઞાનરૂપે ઉદય પામે છે.