સમયસાર ગાથા-૧૪પ ] [ ૧૩ એટલે રહિત છે. આને બદલે કોઈ એમ માને કે મેં આ છોડયું, મેં તે છોડયું તો તેનો એ મિથ્યા અભિપ્રાય છે. તે કર્મબંધને જ કરે છે. ભાઈ! સ્વરૂપથી જ આત્મા પરના ગ્રહણ-ત્યાગ રહિત છે. એણે કોઈ દિ પરને ગ્રહ્યો જ નથી અને કોઈ દિ પરને છોડતોય નથી. અહા! એણે પર્યાયમાં ઊંધી માન્યતાથી એટલે કે અજ્ઞાનભાવે રાગને ગ્રહ્યો છે અને જ્ઞાનભાવે તેને તે છોડે છે. પોતે નિજ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થઈને રહે છે ત્યારે તેને રાગાદિ ઉત્પન્ન જ થતા નથી એટલે રાગને છોડે છે એમ કહેવામાં આવે છે. આવો જન્મ-મરણ રહિત થવાનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ!
કેટલાક લોકો એમ કહે છે કે હમણાં તો શુભભાવ કરો અને વ્રતાદિ વ્યવહાર પાળો, પછી હળવે હળવે નિશ્ચય પ્રગટ થશે. પરંતુ એમ નથી, ભાઈ! અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે શુભભાવથી બંધ જ થશે. નિશ્ચયસ્વરૂપની પ્રાપ્તિ તો શુભાશુભભાવ રહિત જે પોતાનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તેમાં પોતાનો ઉપયોગ વાળીને થંભાવતાં થશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. અહાહા...! વસ્તુ સ્વયં શુદ્ધ ચૈતન્યઘન છે. ઉપયોગ એમાં જ રમે અને જામે તો તે શુદ્ધ છે. બાકી પરદ્રવ્યના લક્ષે જેટલા કોઈ પરિણામ થાય તે બધા શુભાશુભભાવરૂપ મલિન પરિણામ છે અને તે બંધનરૂપ અને બંધનના કારણરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે.
વ્યવહારની અપેક્ષાએ શુભ-અશુભમાં ફેર છે. (બેમાં અંદર-અંદર વિચારતાં ફેર છે). પણ બંધની અપેક્ષાએ નિશ્ચયથી બન્નેય એક જ જાત છે, બંધનની અપેક્ષાએ બેમાં કોઈ ફરક નથી. કળશટીકા, કળશ ૧૦૦ માં કહ્યું છે કે- દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભક્રિયા અને શુભક્રિયાને અનુસાર છે તે-રૂપ જે શુભોપયોગરૂપ પરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે-એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે, કર્મમાં તો ભલું કોઈ નથી એમ જ યથાર્થ સમજે છે. હવે આવી વાત માણસને આકરી લાગે કેમકે અત્યારે તો વ્રત કરો, ને તપ કરો ને ત્યાગ કરો એમ ક્રિયાકાંડમાં જ ધર્મ માનીને લોકો મગ્ન થઈ રહ્યા છે. પરંતુ શુભમાં વિકારના પરિણામમાં શુદ્ધોપયોગ માનીને અભિમાનથી આચરણ કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીં કહે છે.
ભાઈ! વ્રત, દયા, તપ, શીલ, સંયમ ઇત્યાદિ બધી શુભ ક્રિયા શુભપરિણામરૂપ છે. એનાથી પુણ્યબંધન છે, મોક્ષમાર્ગ નહિ; અને એનું ફળ સ્વર્ગાદિ ગતિ છે (મુક્તિ નહિ). અરે! અનાદિથી જીવ ૮૪ના અવતાર કરી ચારગતિમાં રખડી રહ્યો છે! એ પરિભ્રમણ વડે મહા દુઃખી છે. પુણ્યના ફળમાં મોટો દેવ થાય કે બહારમાં