૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મોટો કરોડપતિ કે અબજોપતિ શેઠ થાય અને શરીર રૂપાળું સુંદર હોય પરંતુ એ બધી જડની સામગ્રી છે ભાઈ! મસાણમાં જેમ હાડકાં હોય અને તેમાં ભડકા થાય તે ફોસ્ફરસના છે તેમ આ બધાં મહેલ, સંપત્તિ અને શરીરની સુંદરતા એ બધી ચમક અને દમક મસાણના હાડકાના ફોસ્ફરસ જેવી છે (બળીને રાખ થવા યોગ્ય છે). એ વિષય-કષાયની સર્વ સામગ્રી (અનુકૂળ હોય તોપણ) હેય છે. હેય છે એટલે ત્યાગવા યોગ્ય છે એમ નહિ, એનો તો ત્યાગ જ છે, પણ એના તરફનું જે લક્ષ છે તે ત્યાગવા યોગ્ય છે, તથા એનાથી મને સુખ છે એ અભિપ્રાય ત્યાગવા યોગ્ય છે. આવી વાત છે.
‘પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે.’
લ્યો, આ શું કહે છે? ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કે પૂજાના ભાવ હો કે ચાહે હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગની વાસનાના પરિણામ હો; બન્નેય વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. લોકોને આ આકરું લાગે છે એટલે આ સોનગઢથી નીકળ્યું છે એમ કહી ટાળે છે પણ ભાઈ! આ કયાં સોનગઢનું છે? આ તો પંડિત શ્રી જયચંદજીએ જે કહ્યું છે (જે અંદર છે) એનો ખુલાસો થાય છે.
કહે છે-પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી નીપજેલા ભાવો છે. અહાહા...! અંદર આનંદકંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની એ પરિણતિ નથી. એ શુભાશુભભાવરૂપ વિકારની દશા ઉદયજનિત છે, વિભાવભાવરૂપ મલિન છે અને બંધરૂપ છે.
ત્યારે હમણાં હમણાં કોઈ પંડિતો સામયિકોમાં લેખ લખવા માંડયા છે કે શુભકર્મ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં અર્થાત્ શાસ્ત્રનું વ્યવહારું જ્ઞાન કરતાં કરતાં અને બાહ્ય વ્રત-નિયમ પાળતાં પાળતાં નિશ્ચયધર્મ થશે, શુદ્ધ રત્નત્રય થશે. પરંતુ એમ નથી, ભાઈ! અગાઉના શ્લોકમાં-કળશમાં (કળશ ૧૦૦ માં) ન આવ્યું કે-આ જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમા) સ્વયં ઉદય પામે છે. ‘स्वयं उदेति’–એનો અધ્યાત્મતરંગિણીમાં અર્થ કર્યો છે કે સમ્યગ્દર્શન થવામાં, શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ થવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહિ. ‘કર્મનિરપેક્ષ’ એમ ત્યાં સંસ્કૃતમાં શબ્દ પડયો છે. સ્વયંનો અર્થ એમ છે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે; કોઈ વ્યવહાર છે તો પ્રગટે છે એમ છે નહિ.
બાપુ! તું આ શુભના વલણ વડે અનાદિથી રખડી-રખડીને દુઃખી થઈ રહ્યો છો. છહઢાલામાં આવે છે કે-