સમયસાર ગાથા-૧૪પ ] [ ૧પ
પ્રભુ! એણે પંચમહાવ્રત નિરતિચાર પાળ્યાં, પ્રાણ જાય તોપણ પોતાના માટે ચોકા કરી બનાવેલાં ભોજન ન લીધાં, ચામડી ઉતારીને ખાર છાંટયા તોપણ ક્રોધ ન કર્યો-આવી આવી તો જેણે વ્યવહારક્રિયા અનંતવાર પાળી અને અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી ગયો. પણ શુભનો પક્ષ અંતરંગમાં છૂટયો નહિ તેથી આત્મજ્ઞાન વિના એને લેશ પણ સુખ ન થયું અર્થાત્ પરિભ્રમણનું દુઃખ જ થયું.
ભાઈ! તારે ધર્મ કરવો છે ને! તો શુભાશુભભાવથી રહિત અંદર નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે તેમાં તારા ઉપયોગને જડી દે. તેથી તને શુદ્ધોપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભોપયોગની જેમ શુભોપયોગની દશા પણ વિભાવની જ વિપરીત દશા છે; એના વડે ધર્મ નહિ થાય.
દયા, વ્રત, શીલ, સંયમ ઇત્યાદિ મુનિધર્મ જે વ્યવહારધર્મ કહેવાય છે તે બધોય માત્ર શુભભાવ છે. એ કાંઈ આત્મરૂપ ધર્મ નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં આવે છે કે-‘લિંગોનું એટલે કે ધર્મચિન્હોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.’ જુઓ, આ બધો વ્યવહારધર્મ આત્માના સ્વરૂપમાં નથી. પરમાત્મપ્રકાશમાં તો એથીય વિશેષ વાત છે કે-ભાવલિંગ જે નિર્વિકલ્પ મુનિદશા અર્થાત્ આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી શુદ્ધરત્નત્રયની વીતરાગી ચારિત્રદશા એ પણ આત્માનું સ્વરૂપ નથી. પર્યાય છે ને! મોક્ષનો સાચો માર્ગ એ પણ પર્યાયધર્મ છે, એ કાંઈ આત્મદ્રવ્યનું અંતરંગ સ્વરૂપ નથી. હવે આવી વાત છે ત્યાં યતિનું દ્રવ્યલિંગ-વ્યવહારધર્મની ક્રિયા તો આત્મસ્વરૂપથી કયાંય બહાર રહી ગઈ.
ભાઈ! તારે આત્મકલ્યાણ કરવું છે કે નહિ! બાપુ! અનંતકાળમાં તું પ્રતિક્ષણ ભાવમરણે મરી રહ્યો છે! અહા! અંતરમાં ચૈતન્યનાં પરમ નિધાન પડયાં છે પણ અંતરમાં તેં કદીય નજર કરી નથી. અહાહા...! પ્રભુ! તું અંદર અનંત શક્તિઓનો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ ગુપ્ત ભંડાર છો. એને જ્ઞાનની પરિણતિ વડે ખોલ, એ શુભરાગની પરિણતિ વડે નહિ ખુલે; શુભરાગની પરિણતિ વડે ત્યાં તાળુ પડશે કેમકે શુભરાગ સ્વયં બંધરૂપ જ છે. હવે કહે છે-
‘વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ- એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.’