સમયસાર ગાથા-૧૪પ ] [ ૧૭ ઇન્દ્રિયજ્ઞાનમાં જણાય તેમ નથી. સ્વસંવેદનજ્ઞાનમાં એની પ્રત્યક્ષની ભાવના (અનુભવ) કરતાં કરતાં પ્રત્યક્ષ કેવળજ્ઞાન થઈ જાય છે. પરંતુ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં એ કેવળજ્ઞાનનો પ્રકાશ થઈ જાય એમ કદીય નથી. આવું જ સ્વરૂપ છે.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છેઃ-
‘તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે’-આ શુભકર્મ છે તે સંસારમાં દાખલ કરનાર છે એમ કહે છે. ત્યારે કેટલાક કહે છે કે શુભકર્મ એટલે પુણ્યબંધરૂપ જડ પુદ્ગલકર્મની આ વાત છે. પણ ભાઈ! અહીં તો ટીકામાં શુભકર્મનું કારણ જે શુભભાવ તે સંસારમાં દાખલ કરનાર છે એની વાત છે. અહા! શું થાય? અધ્યાત્મશાસ્ત્ર જે સત્ને સિદ્ધ કરે છે તેનો માણસોને જિજ્ઞાસાપૂર્વક સ્વાધ્યાય નહિ, અભ્યાસ નહિ એટલે અત્યારે મોટા ગોટા ઊઠયા છે.
જુઓ, અજ્ઞાનીઓનો આ પક્ષ છે કેઃ-
૧. ‘કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે.’ પુણ્ય ભલું છે એમ જેનો પક્ષ છે એવો અજ્ઞાની એમ કહે છે કે જે શુભકર્મ બંધાય છે તેને પુણ્યભાવનું નિમિત્ત છે અને જે અશુભકર્મ બંધાય છે તેને પાપભાવનું નિમિત્ત છે. અર્થાત્ પુણ્યબંધનમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે અને પાપબંધનમાં જીવના અશુભપરિણામ -સંકલેશપરિણામ નિમિત્ત છે. આમ બન્નેનાં કારણ જુદાં જુદાં છે માટે બન્નેમાં ફેર છે. આ અજ્ઞાનીની દલીલ છે. એક વાત.
૨. એની બીજી દલીલ એમ છે કે- ‘કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે.’ એક કર્મ તો શાતાવેદનીય આદિરૂપ બંધાય છે અને બીજું અશાતા-વેદનીય આદિરૂપ બંધાય છે. આ પ્રમાણે શુભાશુભરૂપ કર્મના સ્વભાવમાં પણ ફેર છે. બંને જડકર્મના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહારના પક્ષવાળાનો અભિમત છે.
૩. વળી એની ત્રીજી દલીલ એમ છે કે-‘કોઈ કર્મનો શુભફળરૂપે અને કોઈ કર્મનો અશુભફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે.’