૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પુણ્યકર્મના ફળરૂપે સ્વર્ગાદિ ગતિ મળે, ઉચ્ચ આયુ બંધાય, ઉચ્ચ ગોત્ર બંધાય આદિ અને પાપકર્મના અશુભફળરૂપે નરકાદિને પ્રાપ્ત થાય. આમ બન્નેના ફળમાં ફેર છે કે નહિ? આ તો અહીં અજ્ઞાનીનો પક્ષ રજુ કર્યો છે. પુણ્યના ફળમાં કરોડોની સંપત્તિનો સ્વામી મોટો શેઠ થાય અને પાપના ફળમાં સાવ દરિદ્રી થાય. આમ બન્નેના ફળમાં ફેર છે. ધૂળેય ફેર નથી, સાંભળને? બન્નેય એક જ જાત છે. શેઠ કે દરિદ્રી કે દિ હતો આત્મા? આ તો અજ્ઞાનીની-મૂઢ જીવની દલીલની અહીં વાત કરી છે.
પુદ્ગલ છે, રૂપી છે. એ ચૈતન્યમય આત્માના કેવી રીતે થાય? જડ પૈસાનો-ધનનો જે સ્વામી થાય એ તો મહા મૂઢ જીવ છે. અરે! પુણ્યભાવ પણ જ્યાં આત્માનો નથી ત્યાં તેના નિમિત્તે બંધાયેલા કર્મના ફળમાં પ્રાપ્ત પૈસા-ધન આત્માનાં કયાંથી થાય? બાપુ! આ તો વીતરાગનો માર્ગ, બહુ સૂક્ષ્મ છે ભાઈ! જે સમયે પૈસાની-ધનની (-પરમાણુઓની) જે અવસ્થા થવા યોગ્ય હોય તે સમયે તે જ થાય કેમકે તે એની જન્મક્ષણ છે. પણ તે અવસ્થાને અન્ય કરે એ વાત એક દોકડોય સત્ય નથી, સમજાણું કાંઈ...? (પુણ્યના ફળમાં પૈસા કમાય છે તે પણ વ્યવહારનયનું કથન છે.) આ પ્રમાણે અજ્ઞાનીના પક્ષના ત્રણ બોલ થયા.
૪. અજ્ઞાનીની ચોથી દલીલ એમ છે કે-‘કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે.’ કોઈ કર્મ એટલે કે શુભકર્મ જેને સારો એવો મોક્ષમાર્ગ પ્રગટ થયો હોય તે ભૂમિકામાં બંધાય છે એટલે સારું છે અને કોઈ કર્મ એટલે અશુભકર્મ ખરાબ એવા બંધમાર્ગની (-સંસારમાર્ગની) ભૂમિકામાં બંધાય છે માટે ખરાબ છે. આમ બેના આશ્રયમાં ફેર છે. આ પ્રમાણે ચાર પ્રકારે કર્મમાં ભેદ-ફેર હોવાથી કોઈ કર્મ શુભ-સારું છે અને કોઈ કર્મ અશુભ- ખરાબ છે એવો અજ્ઞાની જીવનો પક્ષ છે. હવે કહે છે-
‘માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય-પક્ષ આ પ્રમાણે છે’ઃ-
૧. ‘શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ શું કહે છે? કે તેં (-અજ્ઞાનીએ) કીધું કે કોઈ કર્મને (-પુણ્યબંધનમાં) જીવના શુભ પરિણામ નિમિત્ત છે અને કોઈ કર્મને (-પાપબંધનમાં) જીવના અશુભ પરિણામ નિમિત્ત છે,