Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1480 of 4199

 

સમયસાર ગાથા-૧૪પ ] [ ૧૯ માટે બન્ને કર્મના કારણમાં ફેર છે અર્થાત્ બન્ને પરિણામમાં ફેર છે. તો અમે કહીએ છીએ કે શુભાશુભપરિણામ બન્નેય કેવળ અજ્ઞાનમય હોવાથી કર્મ એક જ પ્રકારનું છે. અજ્ઞાનમય એટલે મિથ્યાજ્ઞાનમય એમ નહિ, પણ અજ્ઞાનમય એટલે જ્ઞાનના-ચૈતન્યના અભાવમય છે. શુભ અને અશુભ ભાવ બન્નેય અજ્ઞાનમય છે એટલે કે બેમાંય ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. જુઓ, ભગવાન આત્મા કેવળ ચૈતન્યનો સૂર્ય છે; પણ શુભાશુભ ભાવમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે ભાવો બન્નેય અજ્ઞાનમય છે. ગાથા ૭૨ માં આવી ગયું કે-શુભાશુભ ભાવ અશુચિ છે, જડ છે, દુઃખનું કારણ છે. શુભાશુભ કર્મ અજ્ઞાનમય છે એટલે કે તેઓ જડ આંધળા છે કેમકે તેમાં ચૈતન્યની જાગૃતિનો અભાવ છે.

હવે આવી વાત સાધારણ માણસને બિચારાને અભ્યાસ હોય નહિ અને માંડ નવરો થતો હોય-આખો દિ’ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં બળદની જેમ એકલી પાપની મજૂરી કરવામાં કાઢતો હોય ત્યાં કેમ સમજાય? હું કોણ છું? અને આ શું થઈ રહ્યું છે- એ વિચારવાનો એને કયાં વખત છે? પણ ભાઈ! આ તો જીવન (અમૂલ્ય અવસર) વીતી જાય છે હોં.

અહીં કહે છે-આ વૃત્તિઓ જે ઊઠે છે તે ચાહે તો પંચમહાવ્રતની હોય કે દયા, દાન કે ભક્તિની હોય-એ બધીય શુભરાગરૂપ છે અને શુભરાગ છે તે અજ્ઞાનમય છે; અજ્ઞાનમય છે એટલે એમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. સમજાણું કાંઈ...? ભાષા તો જુઓ. ‘અજ્ઞાનમય હોવાથી’-એમ કહ્યું છે. એકલું અજ્ઞાન એમ નહિ, પણ ‘અજ્ઞાનમય’ એમ કહ્યું છે. શુભાશુભભાવ બન્નેય જડ છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં એને અજીવ કહ્યા છે, અહીં એને અજ્ઞાનમય એટલે જડ કહ્યા છે, કેમકે એમાં ચૈતન્યના વિલાસનો અભાવ છે, એમાં ચૈતન્યની જાગૃતિનો પ્રકાશ નથી. શું કહ્યું આ? જેમ અશુભ તેમ શુભભાવ પણ આંધળો છે.

ચાહે તો વ્રતનો શુભરાગ હો કે અવ્રતનો અશુભ રાગ હો-બન્નેય કેવળ અજ્ઞાનમય હોવાથી એક જ જાત છે. હવે આવી વાત આકરી પડે પણ શું થાય? પ્રભુ! આ સમજ્યા વિના તું અનંતકાળથી જન્મ-મરણના ધોકા ખાઈ-ખાઈને અધમુઓ થઈ ગયો છે. બાપુ! તને ખબર નથી. નરકમાં ઠંડીની એટલી પીડા હોય છે કે ત્યાંની ઠંડીનો એક કણ પણ અહીં આવી જાય તો એનાથી દશ યોજનના મનુષ્યો એ ઠંડીમાં મરી જાય. ભાઈ! આવા નરકના સંજોગમાં તું અનંતવાર ગયો અને રહ્યો, પણ તું તે ભૂલી ગયો છે બાપુ! અત્યારે માંડ જરી શરીર ઠીક મળ્‌યું હોય, કુટુંબ-પરિવાર અનુકૂળ હોય અને મકાન મોટા હજીરા હોય એટલે એમ માને કે હું સુખી છું. પણ ધૂળેય સુખી નથી, ભાઈ! આ બધી સામગ્રી તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક છે. એ શુભનાં ફળ બધાં ઝેર છે ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ છે એ બધાંય ઝેરનાં ફળ છે એમ કહ્યું છે.