સમયસાર કહેતાં ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ-સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે.
વસ્તુના અનેકાંતસ્વરૂપને બતાવનાર (દ્યોતક) વીતરાગની વાણી તે સ્યાદ્વાદ છે.
અને જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ છૂટી ગઈ છે અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટી ગયાં છે એવા નિર્ગરંથ મુદ્રાધારી ભાવલિંગી સંત તે ગુરુ છે. આવા દેવ, શાસ્ત્ર, ગુરુને કે જે આનંદના આપનારા છે તેમને હું નમું છું.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદાચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ ગ્રંથના આરંભમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છેઃ- કળશ नमः समयसाराय स्वानुभूत्या चकासते।
અહાહા...! એકલું અસ્તિથી માંગળિક કર્યું છે! અસ્તિ એટલે છે છે છે એવો ભાવ. ધ્રુવ ચિદાનંદ જે છે અર્થાત્ સમય નામનો પદાર્થ જે છે તેમાં સાર કહેતાં જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત શુદ્ધાત્મા-પવિત્ર આત્મા તેને મારા નમસ્કાર હો. અહીં ઈષ્ટદેવને નમસ્કાર કર્યા છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા-ચૈતન્યમૂર્તિ તે પોતે જ ઈષ્ટદેવ છે. તેને નમઃ એટલે તેને નમું છું, તેમાં ઢળું છું, તેનો સત્કાર કરું છું, ધ્રુવ આત્માની સન્મુખ થઇને તેમાં હું નમું છું ઢળું છું આ નમું છું તે (નમન કરવું) પર્યાય છે. (વસ્તુ ધ્રુવ છે.)
કળશ ટીકામાં કહ્યું છે કે સમય શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થો જાણવા. તેમાં સાર કહેતાં ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય. ત્રિકાળી ધ્રુવ, શુદ્ધ આત્મા ઉપાદેય છે. આ પોતાની વાત છે. જીવ એ સાર એટલે ઉપાદેય- ત્રિકાળ ઉપાદેય છે. કોને? તો કહે છે કે પર્યાયને. (પર્યાયમાં ધ્રુવ આત્મા એક જ ત્રિકાળ ઉપાદેય છે) આમ સ્વ આત્માનું ઈષ્ટપણું સિદ્ધ કરીને નમસ્કાર કર્યા. પર્યાયમાં તેનો સ્વીકાર કર્યો એ જ તેને નમસ્કાર છે. આ ‘નમઃ સમયસારાય’ માંથી કાઢયું. પોતાની જે શુદ્ધ જીવ-વસ્તુ કે જે પ્રગટ છે તેને સારપણું ઘટે છે.