૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી; પોતાની યોગ્યતાથી જ્ઞાનમાં ઘટ-વધ થાય છે, મહારાજ! શું આ ઠીક છે?
ઠીક નથી; કોઈ અંગધારી કહે તોપણ એ ઠીક નથી, જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનમાં ઘટ-વધ કરતું નથી એ ઠીક નથી, કરે છે-એમ એમના પુસ્તકમાં લખ્યું છે.
આ વાંધા (-મતભેદ) અહીંથી ઊઠયા. વર્ણીજી એમ માનતા કે નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એ વાત બરાબર નથી.
પરંતુ ભાઈ! પરદ્રવ્ય આત્માને હીણું કરે એ વાત યથાર્થ નથી. જ્ઞાનાવરણીય કર્મ છે ખરું, પણ એ કર્તા થઈને જ્ઞાનને હીણું કરે એ વસ્તુસ્વરૂપ નથી. આમાં કીધું ને કે ‘‘પોતાના પુરુષાર્થના અપરાધથી’’ જ્ઞાનાદિ હીણું થાય છે. કહ્યું છે ને કે ‘અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.’’
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે-‘‘તું તારા અપરાધથી રખડયો. તારો અપરાધ એ કે પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું.’’ કર્મની વાત ત્યાં કયાંય લીધી નથી.
પ્રશ્નઃ– કોણ કરે છે એ અપરાધ?
ઉત્તરઃ– પોતે જ કરે છે. એ અપરાધનું ષટ્કારકરૂપ પરિણમન પોતાનું પોતાને કારણે છે. એમાં કર્મની અપેક્ષા છે નહિ.
ત્યાં (ગાથા ૧૬૦ માં) એમ કહ્યું કે-પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ બંધઅવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને નહિ જાણતો એટલે કે સર્વપ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતો...; જુઓ, શું ભાષા છે! સર્વથા સર્વ પ્રકારે પરને નહિ જાણતો એમ લીધું નથી, પરંતુ પોતાને નહિ જાણતો એમ લીધું છે. અહાહા...! પોતે સ્વભાવથી જ સર્વજ્ઞ, સર્વદર્શી છે (લોકાલોકને કારણે નહિ), તે પર્યાયના અપરાધને લઈને પોતે સર્વજ્ઞ-સર્વદર્શી છે એવા પોતાને જાણતો નથી. સમજાણું કાંઈ...? આ તો શબ્દે-શબ્દમાં ખૂબ ગંભીરતા ભરેલી છે.
આપણે અહીં વાત એમ ચાલે છે કે-સોનાની બેડી છે તેમાં પણ બંધનપણાની અપેક્ષાએ કાંઈ તફાવત નથી. ‘कदं कम्मं’ નો અર્થ અહીં બેયમાં કાંઈ પણ ફેર નથી એમ કર્યો છે. માટે શુભ કે અશુભ કરાયેલું કર્મ કાંઈ પણ તફાવત વિના જીવને બાંધે છે, કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં ફરક નથી. શુભ અને અશુભ બન્ને બંધનું કારણ છે, મોક્ષના કારણમાં બેમાંથી એકેય કર્મ આવતું નથી.