૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ખાડો બનાવીને પછી પાળેલી મનોરમ કે અમનોરમ હાથણીને હાથી તરફ મોકલવામાં આવે છે. હાથણી હાથીને પોતા તરફ આકર્ષીને ખાડા ભણી દોરી લાવે છે અને ત્યારે હાથી ખાડામાં- બંધનમાં પડે છે. એ વાત અહીં કહે છે કે-જેમ કુશીલ હાથણી હાથીને બંધનનું કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ બેય બંધનનું કારણ થાય છે. હવે આ લોકોને આકરું પડે છે.
અહીં સ્પષ્ટ કહે છે ને કે શુભ અને અશુભભાવ બન્નેય કુશીલ છે; એ જીવનો સ્વભાવ કે જીવના સ્વભાવમય શુદ્ધ પરિણતિ નથી. ભાઈ! જીવ તો શુભાશુભભાવરહિત ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ ત્રિકાળ છે. તેના આનંદના રસના સ્વાદમાં શુભાશુભભાવ છે નહિ. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદરસનો સમુદ્ર છે. એના અનુભવમાં એકલો આનંદનો સ્વાદ હોય છે, એના અનુભવમાં-સેવનમાં કુશીલ એવા શુભાશુભભાવનો સ્વાદ હોતો નથી. ભાઈ! આવા આત્માના આનંદરસના-શાંતરસના અનુભવ- સેવન સિવાય અન્ય કોઈ મોક્ષમાર્ગ છે નહિ.
જુઓ, શુભાશુભભાવ કુશીલ છે, અને નિજ ચૈતન્યસ્વભાવનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા સુશીલ છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માની શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ નિર્મળ શાંત વીતરાગી પરિણતિને છોડીને જે દયા, દાન, વ્રત, ભકિત, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ જે શુભભાવરૂપ વિભાવરૂપ પરિણતિ છે તે, કુશીલ છે. આકરી વાત છે, ભાઈ! પણ આ જ સત્ય છે.
ત્યારે કોઈ કહે છે-આ તો સોનગઢનું હોય એમ લાગે છે.
અરે ભાઈ! આ સોનગઢનું છે કે ભગવાનનું (કહેલું) છે? વિદેહમાં સદેહે ભગવાન સીમંધરસ્વામી અરિહંતપદે વિરાજમાન છે. આચાર્ય કુંદકુંદદેવ તેમની પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ જે સાંભળી તે વાત અહીં આચાર્યદેવે કહી છે.
તેઓ અહીં કહે છે-ભાઈ! તેં શુભાશુભભાવ સેવીને શુભાશુભ ગતિ વિભાવની ગતિ અનંતવાર કરી છે, એમાં કાંઈ અપૂર્વ કે નવીન નથી. અહા! શુભભાવ ચાહે તો પંચપરમેષ્ઠીના સ્મરણનો હો કે અનંતગુણ-સંપન્ન નિજ આત્મદ્રવ્યના ગુણસ્તવનનો હો, એ બધોય વિકલ્પ છે, રાગ છે, કુશીલ છે. આવી ગજબ વાત, બાપા! પરમાત્મ-પ્રકાશમાં આવે છે કે ગુણસ્તવન કે વસ્તુસ્તવન બન્ને વિકલ્પ છે; સમજાણું કાંઈ...?
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી સત્ છે. ‘ओम् तत् सत् परमात्मस्वरूप’-એમ આવે છે ને! એટલે કે ઓમ્ એવું સ્વરૂપ આત્માનું છે. ‘ઓમ્’ બે પ્રકારે છેઃ એક આત્મિક અને એક શાબ્દિક. ‘ઓમ્’ શબ્દ છે તે વાચક છે