સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] [ પ૭ તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ)-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી સમર્થન કરે છેઃ-
‘જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી,.. .. જુઓ, આ દ્રષ્ટાંત છે.
‘તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ)-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.’
‘આત્મા અરાગી જ્ઞાની થયો થકો’-એમ ભાષા લીધી છે. મતલબ કે રાગરહિત વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. જેને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગની કે ગુણ-ગુણી ભેદના વિકલ્પની રુચિ છે એ તો અજ્ઞાની છે.
પ્રશ્નઃ– અરાગી તો ૧૧ મે, ૧૨ મે ગુણસ્થાને થાય છે?
ઉત્તરઃ– હા, પણ એ વાત અહીં નથી. અહીં તો સમ્યગ્દર્શન થતાં જ સર્વ રાગની રુચિ છૂટી જાય છે એને અરાગી જ્ઞાની કહ્યો છે.