Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1519 of 4199

 

પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

ભાઈ! જે રાગથી ધર્મ થવાનું માને કે મનાવે એ તો પ્રત્યક્ષ મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. લ્યો, આવી ઝીણી વાત છે.

ત્યારે કોઈ એમ કહે છે કે આપણે-અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમકે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે; એમાં આપણે શું?

ભાઈ! અહીં કોઈની ટીકાનો સવાલ જ નથી. અહીં તો તત્ત્વના સ્વરૂપની વાત છે; કે જે કોઈ દયા, દાન, વ્રત, તપથી (-રાગથી) ધર્મ થાય એવી (આગમવિરુદ્ધ) પ્રરૂપણા કરે એ પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે. આ તો વીતરાગમાર્ગ છે. એમાં રાગથી ધર્મ થાય એવી પ્રરૂપણા આગમની યથાર્થ દ્રષ્ટિથી તદ્ન વિરુદ્ધ છે. આવું તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ. આમાં પરનિંદાનો સવાલ જ કયાં છે?

શું થાય, ભાઈ! એક વખત જાહેરમાં કહ્યું હતું કે માર્ગ તો આ છે બાપુ! સત્ય વાતની પ્રસિદ્ધિ કરતાં કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો, ભાઈ! રાગ જે પર તરફના વલણવાળી દશા છે એને ધર્મ માને અને મનાવે એ તો રાગી મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે અને જેને સમસ્ત રાગની રુચિ છૂટી ગઈ છે એવો આત્મદ્રષ્ટિવંત પુરુષ અરાગી જ્ઞાની છે. સમકિતી ધર્મી જીવ અરાગી છે. અહા! સમકિતીને અસ્થિરતાનો રાગ, આસક્તિ છે; પણ એને રાગની રુચિ નથી, રાગથી એકત્વબુદ્ધિ નથી.

અહો! આ ભાષા તે કાંઈ ભાષા છે!! અદ્ભુત વાત છે. ‘આત્મા અરાગી જ્ઞાની થયો થકો’-એમ કહ્યું એનો ભાવ એ છે કે આત્મા સ્વયં પોતાના પુરુષાર્થના બળે જ્ઞાની થયો છે, પણ કોઈ દર્શનમોહ કર્મે માર્ગ આપ્યો તો જ્ઞાની થયો છે એમ નથી. અહાહા...! કેટલી સ્પષ્ટતા છે? કેટલાક લોકો કહે છે કે-કર્મને લઈને આ થાય ને તે થાય; એમ કે કર્મને લઈને બિચારા જીવો ભૂલ કરે છે. પણ બાપુ! તને ખબર નથી. અપરાધ તું પોતે કરે અને નાખે કર્મને માથે એ તો અનીતિ છે. આવી અનીતિ વીતરાગશાસનમાં કેમ ચાલે? (ન ચાલે).

અહીં કહે છે કે ધર્મી-જ્ઞાની જીવ અરાગી છે. જુઓ આ ધર્મીની ઓળખાણ. અંદર પોતે પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે, સંચેતે છે એ તેને ઓળખવાનું અંતરલક્ષણ છે અને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોવાથી રાગથી ધર્મ માનતો નથી, મનાવતો નથી કે કોઈ અન્ય માનનારને અનુમોદતો નથી એ તેને ઓળખવાનું બાહ્ય લક્ષણ છે. ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વીતરાગમાર્ગનું કથન છે. રાગમાત્ર પર તરફના લક્ષ-વલણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ-વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. આવી ઝીણી વાત છે.

કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી-ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ-શુભ કે અશુભ કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણે