સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] [ પ૯ છે. ઉદયમાં આવતી-સમીપ આવતી કર્મપ્રકૃતિ એમ ભાષા લીધી છે. આશય એમ છે કે શુભકર્મના ઉદયે શુભભાવ થાય અને અશુભકર્મના ઉદયે અશુભભાવ થાય એને કર્મપ્રકૃતિ સમીપ આવી કહેવાય. મતલબ કે શુભાશુભ પ્રકૃતિના ઉદય કાળે જે શુભાશુભભાવ થાય તેને જ્ઞાની જીવ બૂરા જાણે છે અને તેમને બૂરા જાણીને એની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી.
હવે આવી વાત છે ત્યારે કેટલાક કહે છે કે આ તો જડ કર્મની વાત છે, શુભાશુભભાવની નહિ. પણ ભાઈ! એમ નથી. ગઈ કાલે ગાથા ૧પ૩ ની ટીકામાંથી બતાવ્યું હતું કે વ્રત, તપ, નિયમ, શીલ એ બધું શુભકર્મ છે. એટલે રાગરૂપી કાર્યને ત્યાં શુભકર્મ કહ્યું છે. જડ કર્મ તો ભિન્ન છે. ભાવકર્મનું નિમિત્ત જે કર્મ (-પ્રકૃતિ) તે ઉદયમાં આવતાં જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની બૂરાં જાણે છે. જડ કર્મ પ્રકૃતિને નહિ પણ એના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવને બૂરા જાણે છે. ગાથા ૧૪પ માં પણ કર્મ શબ્દ છે. તેના ટીકામાં જે ચાર અર્થ કર્યા છે તે પૈકી એક અર્થ કર્મનો (જડ કર્મનો) હેતુ જે શુભાશુભભાવ તેને કર્મપણે ગ્રહણ કર્યો છે.
આવો માર્ગ બહુ આકરો બાપા! પણ સંતોએ આંટીઘૂંટીઓ દૂર કરીને સહેલો કરી દીધો છે. અહા! પુણ્યને ધર્મ માને, પુણ્યને સાધન માને, પુણ્યને ભલું માને એ બધી આંટીઘૂંટી છે ભાઈ! એને અનાદિથી રાગનો પ્રેમ અને સંસર્ગ છે ને! એટલે તો સ્વરૂપની અંતર્દ્રષ્ટિ વિના દિગંબર જૈન સાધુ થઈને નવમી ગ્રૈવેયક અનંતવાર ગયો. પણ તેથી શો લાભ? સ્વરૂપના ભાન વિના પંચમહાવ્રતના પરિણામ જે અચારિત્ર છે તેને ચારિત્ર માનીને પાળે, પણ એ બધી આંટીઘૂંટી છે, મિથ્યાદર્શન છે.
આત્મા જ્ઞાની થયો થકો ઉદયમાં આવતી બધીય કર્મપ્રકૃતિને (એટલે કે તે કાળે થતા શુભાશુભ ભાવને) પરમાર્થ બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ‘શુભાશુભ ભાવ થાય છે તેને બૂરા જાણીને’ એમ કહ્યું એનો અર્થ જ એ થયો કે એ ભાવ થાય છે ખરા; જો ન થાય તો તો વીતરાગ હોય. તેથી થોડા શુભાશુભ ભાવ છે તેને બૂરા (-અહિતરૂપ) જાણીને એનાથી એકત્વ કરતો નથી. ‘પરમાર્થે બૂરી જાણીને’ -એમ કહ્યું ત્યાં કોઈ એમ અર્થ કાઢે કે ‘વ્યવહારે સારી જાણીને’ તો તે બરાબર નથી. એ જુદી વસ્તુ છે કે શુભને વ્યવહારે ઠીક કહેવાય, પણ અશુભને પણ વ્યવહારે ઠીક કેમ કહેવાય? બંધનની અપેેક્ષાએ તો બન્ને (સમાનપણે) અઠીક જ છે. (વ્યવહારે ઠીકનો અર્થ જ પરમાર્થે બૂરી સમજવું જોઈએ). તેથી અહીં કહે છે કે જ્ઞાની તેની સાથે રાગ એટલે ચિત્તમાં ઊંડે ઊંડે પણ શુભાશુભ પ્રત્યેનો રાગ અને સંસર્ગ એટલે વાણી દ્વારા તેની પ્રશંસા અને કાયાદ્વારા એ ઠીક છે એમ હાથ વગેરેની ચેષ્ટા થાય એવા ભાવ કરતો નથી. લ્યો, આવું ઝીણું છે.