૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એને કાંઈ સુધ નથી. જાણે હજી થાક લાગ્યો ન હોય તેમ સ્વર્ગાદિને ઇચ્છે છે, ભવને ઇચ્છે છે. પરંતુ ભાઈ! ભવમાત્ર દુઃખરૂપ છે; સ્વર્ગનો ભવ હોય તે પણ દુઃખરૂપ જ છે. તેથી તો યોગસારમાં કહ્યું છે કે-
ચારે ગતિ દુઃખમય છે. નરક દુઃખરૂપ છે, ભયયોગ્ય છે અને સ્વર્ગ સુખરૂપ છે; ડરવા યોગ્ય નથી એમ નથી. આમાં તો એમ કહ્યું કે ભવમાત્રથી ભય રાખીને પરભાવ - શુભાશુભભાવ તજી દે અને એક સ્વરૂપનો અનુભવ કર. ભગવાન આત્મા સ્વરૂપથી આનંદનું નિધાન છે. એના આનંદના સ્વાદની આગળ ધર્મીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ સડેલાં તરણાં જેવાં તુચ્છ અને ફીકાં લાગે છે; સમજાણું કાંઈ...! અહીં કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો એ બન્નેને (શુભ અને અશુભ ભાવો ને) બૂરા-અહિતરૂપ જાણી તેની સાથે રાગ અને સંસર્ગ કરતો નથી.
‘હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે,.. .’
જુઓ, હાથીને પકડવા મોટો ખાડો કરીને એના પર વાંસ નાખી એને કપડાથી ઢાંકી દે છે. કામાંધ-વિષયાંધ હાથી હાથણીની પાછળ દોડતો દોડતો ખાડા સુધી આવે એટલે તાલીમ પામેલી હાથણી બાજુ પર ખસી જાય અને હાથી ખાડામાં પડી જાય. પછી હાથીને પકડી લેવામાં આવે. આ પ્રમાણે હાથી હાથણી સાથે રાગ અને સંસર્ગની ઇચ્છાથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે.
‘અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.’ ચતુર હાથી હાથણીનાં સાનુકૂળ ભાષા, હાવભાવ કે ચેષ્ટાથી લલચાતો નથી.
‘તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે...’
જુઓ, ભાષામાં તો ‘કર્મપ્રકૃતિ’ લીધી છે પણ એનું કારણ જે ભાવકર્મ તેને પણ ભેગું સમજી લેવું. અહા! અજ્ઞાની શુભાશુભકર્મ સાથે રાગ અને સંસર્ગ કરે છે તેથી બંધનમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે. કર્મપ્રકૃતિ અને ભાવકર્મ શુભ હો કે અશુભ હો, બન્ને બંધ-સ્વભાવ જ છે, ભલાં તો કોઈ નથી, અબંધસ્વરૂપ તો કોઈ નથી. છતાં અજ્ઞાની શુભને સારું જાણી એના પ્રેમમાં પડીને બંધાય છે; મિથ્યાત્વથી બંધાઈને તે નરક અને નિગોદના અકથ્ય પારાવાર દુઃખને ભોગવે છે.