સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ] [ ૬૧
‘અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.’ ચાહે તો શુભભાવ હો કે તેનું નિમિત્ત દ્રવ્યકર્મપ્રકૃતિ હો, જ્ઞાની એની સાથે પ્રેમ કરતો નથી, સંસર્ગ કરતો નથી. વાણી દ્વારા પણ શુભભાવ ભલો છે, હિતરૂપ છે એમ કહેતો નથી કેમકે એની દ્રષ્ટિ તો એક શુદ્ધ ચૈતન્ય ઉપર જ ચોંટેલી છે. વ્યવહારથી કદાચિત્ એમ કહે કે બીજું કાંઈ (પાપ ક્રિયા) કરવા કરતાં દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી ઠીક છે, પણ એ તો વ્યવહારની વાત થઈ; નિશ્ચયથી તો એ બેમાંથી એકેયને સારો માનતો નથી અને કહેતો પણ નથી.
આખો દિવસ સંસારના કામમાં-વેપાર-ધંધા આદિમાં અને બાયડી-છોકરાં સાચવવામાં મશગુલ રહે પણ એમાં કયાં આત્મા છે? રાગમાત્રને બૂરો જાણી તેને ગૌણ કરી આખો ભગવાન નિર્વિકલ્પ ચૈતન્યરસ, નિરાકુળ આનંદના રસનો કંદ પ્રભુ આત્મા છે એની દ્રષ્ટિ કરવી તે કર્તવ્ય છે. જુઓ, આ ધર્મીનું કર્તવ્ય છે, રાગ ધર્મીનું કર્તવ્ય નથી. હવે આવું (ભેદજ્ઞાન) કઠણ પડે એટલે ઓલું-વ્રત કરો, ભક્તિ કરો, જાત્રા કરો, વંદના કરો ઇત્યાદિ એને સુગમ- સહેલું થઈ પડયું છે-(અનાદિની ટેવ પડેલી છે ને). આવે છે ને કે-
પણ નરક-પશુ ન થાય એમાં દિ શું વળ્યો? શુભભાવ હોય તો એકાદ ભવ સ્વર્ગમાં જાય, એકાદ ભવ (તીવ્ર દુઃખથી) બચી જાય; પણ નરક અને નિગોદના ભવ ઘટયા વિના, એનો નાશ થયા વિના ભવભ્રમણ કેમ મટશે બાપુ? કોઈ કહે કે-સમ્મેદશિખરની આટલી જાત્રા કરે તો ભવ ઘટે. ધૂળેય ન ઘટે, સાંભળને. લાખ-ક્રોડ જાત્રા કરે શત્રુંજયની તોય શું? (અંદર ચૈતન્યના નાથની જાત્રા ન કરે તો ભવ ન મટે). એમ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવના સમોસરણમાં અનંત વાર ગયો, અનંતવાર સાક્ષાત્ દિવ્ય-ધ્વનિ સાંભળી, મણિરત્નથી ભગવાનની પૂજા કરી, પણ એથી શું? ભવ તો ઊભો છે; કેમકે એ તો શુભભાવ હતો, ધર્મ ન હતો.
આથી એમ ન સમજવું કે શુભભાવ છોડીને અશુભ કરવું. પરંતુ ભાઈ! તને જે અનાદિથી શુભભાવની રુચિ છે તેનો ત્યાગ કરવો. શુભ-ભાવમાં અમે ધર્મ કરીએ છીએ એવી માન્યતા વિપરીત છે, મિથ્યાત્વનું શલ્ય છે.