૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
‘‘રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે’’...
શું કહ્યું આ? કે જેને રાગનો પ્રેમ છે, રાગ સાથે એકત્વ છે તે રાગી છે. અહીં અસ્થિરતાનો રાગ હોય એની વાત નથી. આ તો જેને રાગમાં એકતાબુદ્ધિ-અહંબુદ્ધિ છે તે રાગી છે એમ વાત છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ હોય છે પણ તે રાગમાં રક્ત નથી, રુચિવંત નથી તેથી તે વિરાગી છે.
આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરે તથા શાસ્ત્રની ધારણા થવાથી ઉપદેશ દે અને એ બધી શુભરાગની ક્રિયામાં હું સારું (-ધર્મકાર્ય) કરી રહ્યો છું અને એ વડે મારું હિત થશે એમ જે માને તે રાગી છે અને તે જરૂર કર્મ બાંધે છે.
આગળની ગાથાની ટીકામાં ‘અરાગી જ્ઞાની’ એમ શબ્દ આવ્યો છે. મતલબ કે જે અરાગી-વિરાગી છે તે જ્ઞાની છે અને જે રાગી છે તે અજ્ઞાની છે. અજ્ઞાની રાગમાં રક્ત છે. તેને વીતરાગસ્વભાવી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ઉપર નજર નથી. અહાહા...! જિનપદસ્વરૂપ પોતે છે એનો એને સ્વીકાર નથી. જેને પોતાનો (-આત્માનો) સ્વીકાર નથી તે બીજે કયાંક પણ પોતાનું અસ્તિપણું તો માનશે જ ને? રાગરહિત પોતાના નિર્મળ તત્ત્વને જે જોતો નથી તે ‘હું રાગ છું’ એમ જ જાણે છે અને માને છે. આવો રાગમાં રક્ત રાગી જીવ અવશ્ય કર્મ બાંધે છે.
સામાન્યપણે દશમા ગુણસ્થાન સુધી રાગ છે તે અપેક્ષાએ ત્યાં સુધી જીવ રાગી કહેવાય છે. પણ અહીં એ વાત નથી. અહીં તો જેને રાગનો પ્રેમ છે, રાગમાં સ્વામીપણું છે, ધર્મબુદ્ધિ છે તેને રાગ-રક્ત એટલે રાગી કહ્યો છે.
ધર્મીને સાધકદશામાં અસ્થિરતાનો રાગ યથાસંભવ આવે પણ ત્યાં (-રાગમાં) તેને રુચિ-પોસાણ નથી. ધર્મીને તો પોતાનો એક આત્મા જ પોસાય છે. અહીં કહે છે-જેની દ્રષ્ટિ એક શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના આત્માથી બંધાઈ છે એવો વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે છે. લ્યો, આ જિન ભગવાનનો ઉપદેશ છે.
કોઈ બાયડી-છોકરાં, દુકાન-ધંધો ઇત્યાદિ બહારમાં છોડી દે માટે તે વૈરાગી છે એવો વિરક્તનો અર્થ નથી. અહીં તો જેને અંતરમાં પરની (-રાગની) રુચિ છૂટી ગઈ છે અને જેને આનંદનો નાથ વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ-રુચિ, જ્ઞાન અને અનુભવ થયાં છે એ વિરક્ત એટલે વિરાગી છે; અને તે જ કર્મથી છૂટે છે એવું આગમવચન છે.
જુઓ, પાઠમાં (-મૂળ ગાથામાં) ‘જિનોપદેશ’ શબ્દ છે. તેનો અર્થ અહીં ટીકામાં ‘આગમ-વચન’ લીધો છે. જિનોપદેશ અર્થાત્ જિનવાણી અનુસાર આગમ