अथ ज्ञानं मोक्षहेतुं साधयति–
तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं।। १५१ ।।
तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। १५१ ।।
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧પ૧.
ગાથાર્થઃ– [खलु] નિશ્ચયથી [यः] જે [परमार्थः] પરમાર્થ (પરમ પદાર્થ) છે, [समयः] સમય છે, [शुद्धः] શુદ્ધ છે, [केवली] કેવળી છે, [मुनिः] મુનિ છે, [ज्ञानी] જ્ઞાની છે, [तस्मिन् स्वभावे] તે સ્વભાવમાં [स्थिताः] સ્થિત [मुनयः] મુનિઓ [निर्वाणं] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.
ટીકાઃ– જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે-આત્મા છે. તે (આત્મા) એકીસાથે (યુગપદ્) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે- સ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, ‘સ્વ’ ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના *ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી (-નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).
ભાવાર્થઃ– મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. * ભવન= હોવું તે.