૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપમાં મગ્ન-લીન જે મોક્ષમાર્ગરૂપ પરિણતિ છે તે જ્ઞાની છે. મોક્ષમાર્ગની પરિણતિ જ્ઞાનસ્વરૂપ-સ્વસ્વરૂપ હોવાથી તેને જ્ઞાની કહે છે.
હવે સાતમો બોલ કહે છે-‘સ્વના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વભાવ કેમ કહ્યો? તો કહે છે-શુદ્ધ પરિણતિ સ્વના ભવનમાત્ર છે; એટલે ચૈતન્યના ભવનરૂપ છે પણ રાગના ભવનરૂપ નથી. રાગ તો પર છે; રાગનું ભવન એમાં છે નહિ. ભાઈ! આ તારા હિતની વાત છે. એકાન્ત છે, એકાન્ત છે એમ કહીને એને કાઢી ન નાખ. ભાઈ! આ સમજવાનો અત્યારે અવસર છે.
જુઓને! જુવાન જોધ હોય તેને પણ જોતજોતામાં આયુષ્ય પુરું થયે સમયમાત્રમાં દેહ છૂટી જાય છે. દેહની સ્થિતિ કેટલી? હમણાં અમે નીરોગી છીએ, અમને કયાંય નખમાં પણ રોગ નથી એમ તું માને છે પણ ભાઈ! એને ફરવાને કેટલી વાર? માત્ર એક સમય. અને સમ્યગ્દર્શન થવામાં પણ એક સમય. દેહ છૂટવામાં જેમ એક સમય તેમ સમકિત થવામાં પણ એક સમય છે. આ દેહ છોડીને ભાઈ! બીજે સમયે કયાં જઈશ? તારા સ્વભાવમાત્ર જે (પરિણામ) છે તે પ્રગટ કર્યો હશે તો જ્યાં જઈશ ત્યાં તું સ્વભાવમાં જ છે. શ્રીમદ્ને કોઈએ એકવાર પૂછયું હતું કે શ્રીકૃષ્ણ હમણાં કયાં છે? તો શ્રીમદે કહ્યું-એ આત્માના સ્વભાવમાં છે. તે એમ જાણે કે કોઈ ગતિમાં છે એમ કહેશે; પણ ભાઈ! સમકિતી પુરુષ જ્યાં હોય ત્યાં સ્વભાવમાં જ છે, કોઈ ગતિમાં છે એમ પરમાર્થે છે જ નહિ. એ તો આનંદ અને જ્ઞાનના- સ્વરૂપના પરિણમનમાં છે, જે વિકલ્પ આવે એમાં એ નથી.
કોઈ સમકિતી નરકમાં હોય અને ત્યાં દુઃખ થાય, અણગમાનો ભાવ આવે, છતાં તે એમાં નથી. એ તો સ્વના ભવનમાત્ર જે સ્વભાવભાવ ચૈતન્યભાવ છે એમાં જ છે. સમયસાર કળશટીકા (કળશ ૩૧) માં આવે છે કે-‘‘મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે.’’ સમકિતીને થોડો પણ સ્વરૂપસ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને આવે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય મટતાં તે નિજ ઘરમાં થોડો સ્થિર થયો એ અપેક્ષાથી સમકિતી પણ સ્વભાવમાત્ર છે.
‘तम्हा ट्ठिदा सहावे’–એટલે સ્વના ભવનમાત્ર હોવાથી સ્વભાવ છે એમ એક અર્થ કર્યો. એનો બીજો અર્થ હવે કહે છે કે-‘સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે.’ પર્યાયમાં રાગના હોવાનો અભાવ અને ચૈતન્યના હોવાનો સદ્ભાવ એ સદ્ભાવ છે. જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદ્ભાવ છે; કારણ કે જે સ્વતઃ હોય તે સત્સ્વરૂપ જ હોય. જેવું સ્વતઃ સ્વરૂપ ત્રિકાળી છે એવો જ એનો ચૈતન્યપરિણામ-મોક્ષનો માર્ગ પણ સ્વતઃ હોવાથી સદ્ભાવ છે. એને કોઈ વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. આવી વાત છે. હવે કહે છે-