જવાના છે. તેઓ જે દિવ્યધ્વનિ સાંભળવામાં આવે છે તેનો સાર-સાર લઈ ભગવાન કુંદકુંદાચાર્યે હૃદયમાં પરમ કરુણા ધરી અહીં ઉપદેશ કર્યો છે કે શુદ્ધનય ભૂતાર્થ છે, તેના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય શુદ્ધનયનું ફળ જે મોક્ષમાર્ગ તે જાણતા-અનુભવતા હતા તેથી ભવ્ય જીવોના ઉપકાર હેતુથી શુદ્ધનયનો ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.
અહાહા...! આચાર્યદેવ કહે છે કે એકવાર તું દ્રષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર, અને ભેદ ઉપર અનાદિની દ્રષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય પર દ્રષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવ-ભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો! આવો વિરલ ઉપદેશ આપી આચાર્યદેવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક, ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે, મોક્ષના ભણકારા વાગે છે.
શુદ્ધનયને એટલે ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જ્યાંસુધી જીવ વ્યવહારમાં મગ્ન છે એટલે કે શુભરાગના કર્મકાંડમાં મગ્ન છે, ભેદમાં મગ્ન છે કે પર્યાયમાં મગ્ન છે ત્યાંસુધી આત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળી શુદ્ધ આત્મતત્ત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય છે.