Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1564 of 4199

 

સમયસાર ગાથા-૧પ૩ ] [ ૧૦૩ છે તે બંધનો હેતુ છે. જ્ઞાનીને પણ જે બાર વ્રતના કે પાંચમહાવ્રત આદિના શુભભાવના પરિણામ હોય છે તે બંધનું કારણ થાય છે. ‘यतः’ કારણ કે ‘तत् स्वयम् अपि बन्धः इति’ તે પોતે પણ બંધસ્વરૂપ છે. જે રાગ છે, વ્યવહારની ક્રિયા છે તે બંધસ્વરૂપ છે માટે બંધનું કારણ છે.

ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મૂકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. પણ આ સિવાય જે કાંઈ રાગનું પરિણમન છે તે બંધનું જ કારણ છે કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તેં અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી! હવે તો ચેત.

જો, આ કેવળીના વિરહ ભૂલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મૂકતા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પરિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે હવે કહે છે-

‘ततः’ માટે ‘ज्ञानात्मत्वं भवनम्’ જ્ઞાનસ્વરૂપ થવાનું (પરિણમવાનું) એટલે કે ‘अनुभूतिः हि’ અનુભૂતિ કરવાનું જ ‘विहितम्’ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.

લ્યો, આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં-સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથીઃ ‘अनुभूतिः हि’ એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે-

‘‘અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસરૂપ.’’

અહીં પણ એ જ કહ્યું કે-‘અનુભૂતિઃ હિ’ અનુભૂતિ જ-આત્માનો અનુભવ જ કરવો અર્થાત્ આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની મોટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી.