૧૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જુઓ, આ સમ્યક્ એકાન્ત કર્યું કે-અનુભૂતિનું જ ફરમાન છે. મતલબ કે શુભનું ય ફરમાન છે એમ નથી. અનુભૂતિ કરવાનું ફરમાન છે અને રાગ કરવાનું ફરમાન નથી એમ સમ્યક્ અનેકાન્ત છે. કેટલાક કહે છે-વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિધાન વિધિપૂર્વક કરવાં તેને કહે છે કે એ વિધિ-વિધાન નહિ પણ અનુભૂતિ જ કરવી એ ‘વિહિતમ્’ ભગવાને કહેલું વિધિ-વિધાન છે.
વસ્તુ છે તેનું તે-રૂપે થવું એ એનું ભવન કહેતાં ઘર-રહેઠાણ છે અને એમાં જ વાસ્તુ કરવું. લોકો બિચારા આખો દિવસ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં-એકલી પાપની મજૂરીમાં બળદની જેમ વખત ગાળે તેમને આ સાંભળવાની ફુરસદ કયાંથી મળે? અરે! મોક્ષનો માર્ગ તો છે નહિ અને સત્સમાગમ અને શાસ્ત્ર-સ્વાધ્યાયની ફુરસદેય ન મળે, તો તેઓ કયાં જશે? રોજનું શાસ્ત્ર-શ્રવણ-વાંચન બે ચાર કલાક જોઈએ એ પણ જો નથી તો ભલે મોટા શેઠીઆ હોય તોપણ મરીને તિર્યંચે-કૂતરે-બિલાડે જ જશે. શું થાય? એવા પરિણામનું એવું જ ફળ છે. અહીં તો કહે છે-પરમાત્માના આગમમાં અનુભૂતિનું જ વિધાન છે, શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ શુભરાગનું ય નહિ. કળશટીકામાં (કળશ ૧૩ માં) આવે છે કે-‘‘કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે’’ અહાહા...! અંતર્મુખ થઈને એક આત્માનો અનુભવ કરવો એ જ વિધાન આગમમાં કહ્યું છે અને એ જ વીતરાગનો માર્ગ છે.