૧૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ રખડશે. અને પરમ ગુરુ પરમાત્મા અરહંતાદિ પ્રત્યે જે (સ્વરૂપની ઓળખાણ સહિત) અનુરાગ છે તે સવારની સંધ્યાની જેમ ભગવાન આત્માનો ઉદય થવાની નિશાની છે. આ સ્વરૂપની જેને રુચિ થઈ છે એવા સમકિતીની વાત છે. એને ખ્યાલ છે કે જેવા ભગવાન પરમ વીતરાગ નિર્મળ છે તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ પરમ વીતરાગ નિર્મળ છે. એને સ્વભાવના અવલંબને વીતરાગદેવ પ્રત્યેનો અનુરાગ ટળીને ક્રમે વીતરાગતા પ્રગટશે અને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્યનો ઉદય થશે કેમકે એને રાગનું મમત્વ અને સ્વામિત્વ નથી; એ રાગને ભલો અને લાભદાયક માનતો નથી તેથી રાગ ટળીને એને ચૈતન્ય જાગશે અને કેવળજ્ઞાન પ્રગટશે. (અહીં અરહંતાદિનો અનુરાગ કેવળજ્ઞાનનું કારણ છે એમ ન સમજવું પણ સ્વરૂપનાં જે શ્રદ્ધાન, જ્ઞાન અને એમાં જે ઉગ્ર રમણતા થાય તે જ કેવળજ્ઞાનનું કારણ છે એમ સમજવું).
અહીં જીવાદિ પદાર્થોનું અધિગમ તે જ્ઞાન એમ જે કહ્યું ત્યાં એમ ન સમજવું કે જીવ, અજીવ અને તેમના વિશેષોને શાસ્ત્રમાંથી જાણી લીધા અને તેની ધારણા કરી લીધી એટલે જ્ઞાન થઈ ગયું. અહીં તો સ્વસંવેદન-પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવું-પરિણમવું એને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે.
અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગસ્વરૂપે જીવ છે અને એનું વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વીતરાગભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે.
તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલાં આચરણને ઉપદેશતા નથી?
ચરણાનુયોગમાં જે વ્રતાદિ આચરણ કહેલાં છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે અવશ્ય, પણ તે ઉપાદેય છે. આદરણીય છે એમ ઉપદેશતા નથી. સમકિતીને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે-એમ કહેતા નથી. જૈનના સાધુ તો વીતરાગસ્વભાવી આત્મા એક વીતરાગભાવરૂપે-સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે એ જ ધર્મ છે એમ જ પ્રરૂપણા કરે છે.
હવે સમકિતનાં ઠેકાણાં ન મળે અને જીવોને મા હણો, તેમની દયા પાળો, જીવદયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ જે ઉપદેશ કરે તે જૈનના સાધુ-ગુરુ નથી.
ભાઈ! પરની દયા કરવી એ તો શકય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે અને રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈનશાસનમાં કહ્યું છે. (જુઓ પુરુષાર્થ સિદ્ધયુપાય શ્લોક ૪૪) તો-