સમયસાર ગાથા-૧પપ ] [ ૧૨૧
હા; કહ્યું છે. પણ એ દયા એટલે શું? ભાઈ! એ તો પોતાના આત્માની દયાની વાત છે, પરની દયાની નહિ. પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જીવન જે જ્ઞાન અને આનંદસ્વરૂપે છે તેની એટલે ટકતા તત્ત્વની ટકતા તત્ત્વ તરીકે પ્રતીતિ અને જ્ઞાન થવાં એનું નામ સ્વદયા છે. ભાઈ, આત્મા જેવડો છે તેવડો સ્વીકારવો તે દયા છે અને તેથી ઓછો કે વિપરીત માનવો તે હિંસા છે. આવી સ્વદયા તે સુખની-મુક્તિની ખાણ છે.
અત્યારે તો જેમ વરને મૂકીને જાન જોડી દે તેમ આત્માને છોડી દઈને પરથી-રાગથી ધર્મ મનાવે છે. પૈસાવાળાને પૈસા બે-પાંચ લાખ રૂપિયા ખર્ચો એટલે ધર્મ થશે એમ મનાવી દે. પણ ભાઈ! પૈસા કયાં આત્માની ચીજ છે કે તે ખર્ચે? પૈસા રાખવાનો (પરિગ્રહનો) ભાવ છે એ પાપ છે અને એને ધર્મકાર્યમાં ખર્ચવાનો જે અનુરાગ છે તે મંદકષાયરૂપ હોય તો પુણ્ય છે. પણ એ કાંઈ ધર્મ નથી. (ઊલટું હું પૈસા કમાઉં છું અને વાપરું છું એવી જે માન્યતા છે તે મિથ્યાદર્શન છે).
પ્રશ્નઃ– તો પછી આ ૨૬ લાખના ખર્ચે મોટું આગમમંદિર બનાવ્યું અને અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે એ બધું કોણ કરે છે?
સમાધાનઃ– આ આગમમંદિર જે બન્યું છે તે એના પોતાના કારણે બન્યું છે. તેને કોણ બનાવે? શું આત્મા પરનું કાર્ય કરી શકે છે? મંદિર એ તો જડ પુદ્ગલોની પર્યાય છે; તેને શું આત્મા કરી શકે છે? ના. આ તો જડ પરમાણુઓ-માટી-ધૂળ સ્વયં પોતાના કાળે મંદિરરૂપે રચના થઈને પરિણમ્યા છે. તેને કોઈ કારીગરે કે બીજાએ પરિણમાવ્યા છે એમ છે જ નહિ. એ એની જન્મક્ષણ હતી, પરમાણુઓનો તે-રૂપે રચાઈ જવાનો-ઉત્પત્તિનો કાળ હતો ત્યારે તે રચાઈ ગયું છે. ભગવાને તો કહ્યું છે કે-ઘડાનો કરનારો કુંભાર નથી, ઘડો માટીથી થયો છે. માટી પોતે પ્રસરીને ઘડો બનાવે છે, કુંભાર નહિ. કુંભારથી ઘડો થયાનું માને એ પરદ્રવ્યની પર્યાયનો કર્તા પરને માને છે માટે મૂઢ-મિથ્યાદ્રષ્ટિ છે.
મેં ઉપવાસ આદિ કર્યા, આ છોડયું, આ ખાધું નહિ, આ પીધું નહિ-એમ મૂઢ જીવ માને છે. એ આહાર અને પાણી તો જડ, પર છે. ખાવાની અને છોડવાની જે ક્રિયા છે એ તો જડની જડમાં છે. શું એ જડને તેં છોડયું છે? ભાઈ! પરનું ગ્રહણ-ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. પરને તેં કયાં પકડયા છે કે હવે હું તેને છોડું છું એમ માને છે? આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક અનાદિ-અનંત શક્તિ-ગુણ છે.