Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1601 of 4199

 

૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કેમ જાય? પોતાના પરમાત્મસ્વરૂપમાં-ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાય એટલે રાગ નીકળી જાય છે અને એકલી વસ્તુ રહી જાય છે. એ કહ્યું હતું પહેલાં-આત્માવલોકનમાં આવે છે કે ભગવાનની મૂર્તિ કે સાક્ષાત્ ભગવાનને દેખીને ધર્મીને એવો વિચાર આવે છે કે જેના હોઠ હલતા નથી, પગ ચાલતા નથી, શરીર સ્થિર છે, આંખની પાંપણ પણ હાલતી નથી એવા ભગવાન સ્થિરબિંબ છે. અને એવો જ અચળ અંદર આત્મસ્વભાવ છે. જેમ પરમાત્માને રાગ હતો તે ટળી ગયો અને વીતરાગતાનો જે સ્વભાવ હતો તે રહી ગયો તેમ આત્માનો અંદર વીતરાગસ્વભાવ જ છે; રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ.

અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવનો મહાસાગર છે; અને રાગ તો જડ સ્વભાવ છે. રાગને કયાં ખબર છે કે હું રાગ છું? આ શરીર અને રાગ ઇત્યાદિને જાણનાર તો જીવ પોતે જે સદાય જ્ઞાનસ્વરૂપ છે તે છે. અહાહા...! આવો જાણનાર-જાણનાર-જાણનાર જે જ્ઞાયકભાવપણે છે તે પોતે જીવ છે. એમાં રાગ કયાં છે? પોતાને અને પરને જાણે નહિ એવો રાગ તો અન્યદ્રવ્યસ્વભાવી છે. તેથી રાગના સ્વભાવથી જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. હવે આવી વાત સાંભળવાની બિચારાને માંડમાંડ કોઈક દિ નવરાશ મળતી હોય તે સમજે કે દિ અને પડકે કે દિ? આ ચોવિહાર કરો, ઉપવાસ કરો, અઠ્ઠમ કરો, તપ કરો, દયા પાળો, એથી નિર્જરા થશે-ઇત્યાદિ વાત તો સહેલી સટ પડી જાય છે. પણ ભાઈ! એમાં કયાં ધર્મ ને નિર્જરા છે? એ તો બધો રાગ છે.

હા, પણ એ બધું કરશે તો પામશે ને?

પામશે? શું પામશે? જે શુભરાગને કર્તાપણાના ભાવે કરે છે તે મિથ્યાત્વ પામે છે. ભાઈ! આ રાગ હું કરું અને એ મારું કર્તવ્ય છે એવી માન્યતા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે તે અનંત સંસારની જડ છે; પરંપરાએ નરક અને નિગોદને આપનારું છે. મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ બીજું પાપ નથી.

ભરત ચક્રવર્તી સમકિતી હતા. ૯૬ હજાર સ્ત્રી, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ, ઇત્યાદિ અપાર વૈભવ વચ્ચે પણ તેઓ આત્મજ્ઞાની હતા. જે રાગ થાય છે તે ચીજ પોતાની (આત્માની) નહિ એવું અંતરમાં ભાન હતું. અલબત ચારિત્ર ન હતું. છ લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. (એક પૂર્વમાં ૭૦ લાખ છપ્પન હજાર કરોડ વર્ષ થાય). ચારિત્રના અભાવમાં કેટલું કર્મ બંધાણું? તો કહે છે કે દીક્ષા લઈ આત્માની અંદર ધ્યાનમગ્ન થયા તો અંતર્મુહૂર્તમાં સર્વ કર્મ નાશ કરી નાખ્યું, અને કેવળજ્ઞાન ઉપજાવ્યું. ચારિત્ર-દોષ હતો, પણ સમકિત હતું, મિથ્યાત્વ ન હતું તેથી જે બંધ થતો હતો તે અત્યંત અલ્પ હતો.