સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૪૧
જુઓ! એક બાજુ મિથ્યાત્વનું પાપ એવું હોય છે કે તે અનંતા નરક-નિગોદના ભવ કરાવે અને બીજી બાજુ સમકિત સહિત હોવાથી ભરતને ૯૬ હજાર રાણીઓના સંગમાં વિષય સંબંધી રાગ હતો પણ એ રાગનું પાપ અલ્પ હતું, અલ્પસ્થિતિ અને અલ્પરસવાળું હતું. જ્યાં અંદર ધ્યાનમાં આવ્યા તો લીલામાત્રમાં ઉડાવી દીધું અને ક્ષણમાં જ ઝળહળ જ્યોતિમય કેવળજ્ઞાન ઉપજાવી દીધું.
અહાહા...! એકાવતારી ઇન્દ્ર જેની પાસે મિત્રપણે બેસે અને જે હીરાજડિત સિંહાસન પર આરૂઢ થાય એવા ભરત ચક્રવર્તી આત્મજ્ઞાની હતા. રાગથી અને (બાહ્ય) વૈભવથી ભિન્ન પોતાની ચીજ જે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા તેનું અંતરમાં ભાન હતું. ભગવાન ઋષભદેવ જ્યારે અષ્ટાપદ (કૈલાસ) પર્વત ઉપર મોક્ષ પધાર્યા ત્યારે ત્યાં ભરતની હાજરી હતી. તે વખતે ૩૨ લાખ વિમાનના સ્વામી એકાવતારી ઇન્દ્ર પણ ત્યાં આવ્યા. ત્યાં જોયું તો ભરતની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ભરત વિલાપ કરતા હતા કે-અરે! ભરતક્ષેત્રમાં આજે સૂર્ય અસ્ત થયો! આ સૂર્ય તો સવારે રોજ ઉગે જે સાંજે આથમે; પણ ભગવાન કેવળજ્ઞાન-સૂર્યનો અસ્ત થયો અને હા! સર્વત્ર અંધકાર થઈ ગયો! આમ ભરતજીને વિલાપનાં આંસુ વહી રહ્યાં હતાં. ત્યારે ઇન્દ્રે કહ્યું-અરે! ભરતજી, આ શું? તારે તો આ છેલ્લો દેહ છે, અમારે તો હજુ એક દેહ મનુષ્યનો થશે ત્યારે મોક્ષ થશે. ભરતે કહ્યું-ઇન્દ્ર! બધી ખબર છે. આ તો એવો રાગ આવી ગયો છે; એ ચારિત્ર-દોષ છે, દર્શન-દોષ નહિ. આમ ભરતજીને સ્વરૂપનું શ્રદ્ધાન તો અકબંધ છે.
અહાહા...સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! સમ્યગ્દર્શન શું અને એનો વિષય શું-એના મહિમાની લોકોને ખબર નથી. તેથી એકલા ક્રિયાકાંડનો મહિમા તેમને ભાસે છે. જાહેરખબરો પણ ક્રિયાકાંડની કરે છે કે-આણે ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે પાંચ લાખનું દાન કર્યું, આણે સંઘ જમાડયો ને આણે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું, ઇત્યાદિ. પણ ભાઈ! એમાં શું છે બાપુ! અહીં કહે છે-કર્મ છે, જે પુણ્ય-પાપના ભાવ છે, (અહીં ખરેખર તો પુણ્યભાવને કર્મ લેવું છે) તે અન્યદ્રવ્યસ્વભાવી છે. આ વ્રત, તપ, દાન, શીલ, બ્રહ્મચર્યના ભાવ છે તે અન્યદ્રવ્યસ્વભાવી છે; એનાથી આત્માનું ભવન થઈ શકતું નથી. નિશ્ચયથી તો બ્રહ્મસ્વરૂપ જે શુદ્ધ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે અને તે ધર્મ છે.
કર્મ એટલે પુણ્યના પરિણામ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી જ્ઞાનનું-આત્માનું પવિત્ર મોક્ષમાર્ગરૂપ પરિણમન થતું નથી. તેથી કહે છે-‘तत्’ માટે ‘कर्म मोक्षहेतुः न’ કર્મ મોક્ષનું કારણ નથી.
જુઓ, આ દાંડી પીટીને કાંઈ પણ ગુપ્ત રાખ્યા વિના જાહેર કર્યું કે વ્રત-તપ આદિ ક્રિયા મોક્ષનું કારણ નથી. અહા! લોકોને આવું સાંભળવું મુશ્કેલ અને સમજવુંય