૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરભાવસ્વરૂપ મેળથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’
જુઓ, મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે ભાવ મિથ્યાત્વ અર્થાત્ શુભભાવ ધર્મ છે એવી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વની વાત છે. એ મિથ્યાત્વ નામનો જે ભાવકર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન નામ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યક્ત્વ તિરોભૂત થાય છે અર્થાત્ સમકિતનો નાશ-ઘાત થાય છે.
જુઓ! આ વીતરાગની વાણી દિગંબર સંતો જાહેર કરે છે. સમાજ સમતુલ રહેશે કે નહિ, માનશે કે નહિ, વિપરીત થઈ જશે કે નહિ એની સંતોને શું પડી છે? નાગા બાદશાહથી આઘા; એ તો સત્ય જેમ છે તેમ જાહેર કરે છે. લોકો માને વા ન માને તેથી કાંઈ સત્ય બદલાઈ જતું નથી.
જ્ઞાનનું સમકિત-આત્માનું સમકિત એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની અનુભવસહિત પ્રતીતિ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેનો પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વભાવ છે તે ઘાત કરે છે. અર્થાત્ મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આ વ્રતાદિના શુભભાવ એ ધર્મ છે એવી વિપરીત શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આવો વીતરાગનો માર્ગ દિગંબર જૈનદર્શન સિવાય બીજે કયાંય છે નહિ; વેદાંતમાંય નહિ અને વૈશેષિકમાંય નહિ; સાંખ્યમાંય નહિ અને બૌદ્ધમાંય નહિ. અરે! શ્વેતાંબરમાંય આ વાત નથી; બધું વિપરીત છે. કોઈ વાત કયાંક ઠીક હોય પણ તેથી શું? મૂળ તત્ત્વમાં જ આખો ફેર છે. કેવળીને આહાર ઠરાવે, વસ્ત્રસહિતને મુનિ ઠરાવે, સ્ત્રીને તીર્થંકર ઠરાવે ઇત્યાદિ બધું જ વિપરીત છે. આ કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી. ભાઈ! વ્યક્તિ તો આત્મા સ્વભાવથી ભગવાનસ્વરૂપ છે. આ તો દ્રષ્ટિમાં જે વિપરીતતા છે તેને યથાર્થ જાણવી જોઈએ એમ વાત છે.
પરભાવરૂપ જે મિથ્યાત્વ છે તે કર્મરૂપી મેલ છે. આ કર્મ એટલે જડકર્મ નહિ, પણ વિપરીતશ્રદ્ધાનરૂપ ભાવમિથ્યાત્વની વાત છે. શુભભાવનું જ્ઞાન કરવાથી જાણે જ્ઞાન થયું, અને શુભમાં રમણતા થઈ એ જાણે ચારિત્ર થયું-એમ શુભભાવમાં ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મેલ છે અને તે આત્માના સમકિતનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતું નથી. જેમ શ્વેત વસ્ત્રને તેના શ્વેતસ્વભાવથી અન્યભૂત મેલ લાગવાથી તેનો શ્વેતસ્વભાવ ઢંકાઈ જાય છે તેમ ભગવાન આત્માને તેના વિપરીત શ્રદ્ધાનરૂપ મેલ લાગવાથી તેનો સમકિતનો ભાવ ઢંકાઈ જાય છે, પ્રગટ થતો નથી. આ એક વાત થઈ.
હવે કહે છે-‘જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’