સમયસાર ગાથા ૧પ૭ થી ૧પ૯ ] [ ૧૪૯
શું કહ્યું આ? ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યસૂર્ય-ચૈતન્યના નૂરનું-તેજનું પુર એવો મહાપ્રભુ છે. અહાહા...! જેમ પાણીનું પૂર હોય તેમ ભગવાન આત્મા એકલા ચૈતન્યના નૂરના-તેજના પુરથી પરિપૂર્ણ ભરેલો છે. અરે! એની ખબરેય ન મળે! કોઈ દિ એની કોર જોયું હોય તો ને! અનાદિથી પર્યાયમાં ને રાગમાં અનંતકાળનું જીવતર કાઢયું છે. પણ ભાઈ! એ એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્યમહાપ્રભુ વિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન છે. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે અખંડ એકરૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે-એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્ર આદિ જે પરનું જ્ઞાન છે એની વાત નથી. અહાહા...! આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્યાનંદસ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ-એવા આત્માનું જ્ઞાન તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે.
આવું જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે, પરભાવસ્વરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે વ્યાપ્ત થવાથી ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થતું નથી. આ શુભભાવ છે તે ધર્મ છે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન છે તે મેલ છે. આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન તિરોભૂત થાય છે અર્થાત્ સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદાઈ ઢંકાઈ જાય છે તેમ મિથ્યાજ્ઞાનરૂપી કર્મમળથી જ્ઞાનનું (-આત્માનું) જ્ઞાન ઢંકાઈ જાય છે, અર્થાત્ સમ્યગ્જ્ઞાન થતું નથી.
લ્યો, આ વીતરાગ માર્ગની આવી બધી વાતો છે. પણ આખો દિવસ સંસારના કામમાં રચ્યો-પચ્યો રહે-રાત્રે છ-સાત કલાક ઊંઘમાં જાય અને જાગે ત્યારે આ બધી દુનિયાદારીની- બાયડીની, છોકરાંની, પૈસાની હોળી સળગતી જ હોય. ત્યાં માંડ કલાક સાંભળવાનું મળે એમાંય શું ભલીવાર આવે? (બિચારો કષાય-અગ્નિમાં બળી રહ્યો હોય એના સાંભળવામાં શું ઠેકાણું હોય?) હવે એ આવા (વીતરાગી) તત્ત્વનો નિર્ણય કયારે કરે? ભાઈ! આ તો ખાસ ફુરસદ લઈને સમજવા જેવું છે હોં. પ્રભુ! આ તારો માર્ગ તદ્ન જુદી જાતનો છે. (વિષય-કષાયની પ્રવૃત્તિ સાથે એનો મેળ આવે એમ નથી).
ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે-જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે એમ નહિ. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે એમ નહિ. બહિર્લક્ષી-પરલક્ષી છે ને? ભગવાન! દિવ્યધ્વનિ તો અનંતવાર સાંભળી; પણ તેથી શું? દિવ્યધ્વનિ સાંભળતાં જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન