પુદ્ગલ તો જડ આવરણ છે. એ તો પર નિમિત્ત છે, એને તો આત્મા અડતોય નથી. વાસ્તવમાં તો તે કાળે પોતે પોતાને જાણતો નથી એ તેના પુરુષાર્થનો અપરાધ છે અને તે ભાવઆવરણ છે, ભાવઘાતી છે. અહાહા...! આત્મા સદાય જાણવા-દેખવાના સ્વભાવવાળું અનાદિ અનંત તત્ત્વ છે તે અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી-ભાષા જુઓ, કર્મના કારણે ઢંકાયેલું છે એમ નહિ પણ પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલું છે એમ કહે છે. પૂજામાં આવે છે ને કે-
જડકર્મ શું કરે? એ તો બિચારાં છે એટલે કે આત્મામાં કાંઈ કરવા સમર્થ નથી. પણ પુણ્યના ભાવ ભલા છે અને મારા છે એવી જે માન્યતા છે તે ભૂલ છે, અપરાધ છે અને તે બંધનો ભેખ છે. શુભાશુભ ભાવ છે તે આત્માની પર્યાયમાં બંધનો ભેખ છે, એ નિજસ્વરૂપ નથી. સર્વને જાણવું-દેખવું એ જેનું સ્વરૂપ છે એવું જાણગ-જાણગ સ્વભાવવાળું તત્ત્વ પ્રભુ આત્મા છે. એમાં જે શુભરાગના પરિણામ છે એ ભાવબંધસ્વરૂપ છે. અહા! પર્યાય ત્યાં જે રાગમાં રોકાઈ ગઈ છે તે ભાવબંધ છે અને તે એનો અપરાધ છે.
હવે આવો યથાર્થ નિર્ણય કરવાનુંય જેનું ઠેકાણું નથી તેને ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તે કયાંથી થાય? વર્તમાનમાં ભાઈ! આ નિર્ણય કરવાનું ટાણું છે, અવસર છે; માટે નિર્ણય કરી લે. જોજે હોં, એમ ન બને કે અવસર ચાલ્યો જાય અને અજ્ઞાન ઊભું રહે.
અહીં કહે છે કે જ્ઞાન અને દર્શનથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. સર્વજ્ઞ અને સર્વદર્શીપણું આત્માનો શક્તિરૂપ સ્વભાવ એટલે ગુણ છે. આવા સર્વજ્ઞ અને સર્વદર્શીના સ્વભાવને ભૂલીને તે રાગમાં રોકાઈ રહે એ પોતાના પુરુષાર્થનો અપરાધ છે, અને તે અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે તે લેપાય છે. પુણ્ય-પાપના પરિણામ એ કર્મમળ છે, મેલ છે અને તે વડે આત્મા લેપાય છે. કર્મને લીધે લેપાય છે એમ નહિ કેમકે એ તો પર જડ છે; એની સાથે આત્માને અડકવાનોય સંબંધ નથી. આવે છે ને કે-
અહાહા...! આખાય વિશ્વને એટલે સમસ્ત પદાર્થોને જાણવા-દેખવાના સ્વભાવવાળું જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળું એવું પોતે અનુપમ તત્ત્વ છે. લોકાલોકની સર્વ ચીજોને દેખે-જાણે એવું એના સ્વભાવનું સામર્થ્ય છે. એવા પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને ભગવાન પોતાના અપરાધથી વ્રત, તપ, શીલ, દાન ઇત્યાદિના રાગમાં રોકાઈને-અટકીને બંધ ભાવને પ્રાપ્ત થયો છે. ભાઈ! અશુભની જેમ શુભભાવ પણ બંધભાવ છે અને તેથી તેને અહીં નિષેધવામાં આવ્યો છે.