સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧પ૯ ચૈતન્યમહાપ્રભુને આનંદના નાથને તે દેખતો નથી. બસ, તેથી તે દુઃખી થઈ રહ્યો છે, કોઈ જડ કર્મને લઈને દુઃખી થઈ રહ્યો છે એમ નથી. સમજાણું કાંઈ...?
લોકોને-જૈનમાં પણ જ્યાં-ત્યાં કર્મ નડે છે એવી (વિપરીત) માન્યતા છે. પણ અહીં જુઓ, એનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. કહે છે -તું પરને-રાગને જાણવામાં રોકાઈ રહેતાં સર્વને જાણનાર-દેખનાર એવા પોતાને દેખતો નથી એ તારો મહાઅપરાધ છે. રાગ અને રાગ દ્વારા બીજાને જાણવામાં જ્યાં રોકાય છે ત્યાં સર્વજ્ઞ અને સર્વદર્શી એવું પોતાનું તત્ત્વ તને જણાતું નથી. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનને જાણવો (અનુભવવો) જોઈએ એને બદલે તું પરને-રાગને જાણે (અનુભવે) છે અને એમાં રોકાઈ રહે છે એ તારો અપરાધ છે, અજ્ઞાનભાવ છે. અહો! આચાર્યદેવે કાંઈ અદ્ભુત ટીકા રચી છે! ગજબ વાત છે!
જુઓ, મૂળ ગાથામાં ‘सव्वणाणदरिसी’ -એવો પાઠ છે. એમાંથી ટીકાકાર આચાર્યદેવે કાઢયું કે -વિશ્વને (-સર્વ પદાર્થોને) જાણવા-દેખવાના સ્વભાવવાળું દ્રવ્ય જે પોતે છે તેને જાણવું જોઈએ એના બદલે રાગને જાણવામાં રોકાઈ ગયો એ એનો અપરાધ છે, કેમકે રાગ છે એ કયાં ચૈતન્યતત્ત્વ છે? એ તો આસ્રવતત્ત્વ છે, બંધતત્ત્વ છે.
ત્યારે એક ભાઈ કહેતા હતા કે આવો ધર્મ કયાંથી કાઢયો? એમ કે અમે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ કરીએ તે ધર્મ નહિ અને આ ધર્મ!
બાપુ! વીતરાગનો માર્ગ જ આ છે. ભાઈ! જેણે પૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા આત્માને કેવળજ્ઞાનમાં જાણ્યો છે એવા દેવાધિદેવ ત્રણલોકના નાથ તીર્થંકરદેવની વાણીમાં જે માર્ગની વાત આવી તે અહીં વીતરાગી સંતોએ કહી છે.
ભગવાન! તું કોણ છો? કેવડો છો? તો કહે છે કે -સર્વને જાણવા-દેખવાનો જેનો સ્વભાવ છે એવો તું સર્વજ્ઞ-સર્વદર્શી પ્રભુ પરમાત્મદ્રવ્ય છો. આવો તું રાગમાં રોકાઈ રહ્યો તે અપરાધ છે. ‘કર્મરજથી’ એમ પાઠમાં શબ્દ છે એનો ટીકાકાર આચાર્યદેવે આ અર્થ કર્યો કે- પોતાના પુરુષાર્થના અપરાધથી વર્તતા એવા કર્મમળ વડે એટલે પુણ્ય-પાપના ભાવ વડે લેપાયો હોવાથી જ એટલે કે રાગમાં-બંધમાં એકાકાર થવાથી જ સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વપ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. ભાઈ! કર્મને લઈને રાગમાં રોકાયો છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે રાગ આવ્યો અને એમાં રોકાયો એમ નથી. એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨ માં કહ્યું છે કે-આત્મામાં જે મિથ્યાત્વના પરિણામ થાય છે એટલે કે ‘રાગ તે હું’ એવા જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે; તે અન્ય કર્મના કારકોની અપેક્ષા રાખતા