સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૧ એની મૂઢતા છે; જેમ મૃગજળમાં પાણી શોધવા જવું એ મૂર્ખતા છે તેમ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવું એ મૂઢતા છે. ખારી જમીનમાં સૂર્યનાં કિરણ અડે એટલે જળ જેવું દેખાય તે મૃગજળ છે. મૃગલાં-હરણીયાં આવા મૃગજળની પાછળ જળની આશાએ દોડાદોડ કરી મૂકે છે, પણ ત્યાં જળ કયાં છે? તેમ અજ્ઞાની ઇન્દ્રિયો આદિ બહારના વિષયોમાં સુખ માની સુખ માટે વિષયોમાં ઝાવાં નાખે છે, પણ ત્યાં કયાં સુખ છે તે મળે? તારે સુખ જોઈતું હોય તો અનંત સુખનું ધામ પ્રભુ તું પોતે છે તેમાં જાને? આનંદનો સાગર પ્રભુ તું પોતે છે એને જોતો નથી અને બહાર સુખ શોધે છે એ તારી મૂઢતા છે.
લોકમાં તો કહે કે આ મોટા કરોડપતિઓ, મોટા-મોટા બંગલાવાળા, ગાડીવાળા બધા સુખી છે. પણ ભાઈ! પૈસામાં, બંગલામાં, ગાડીમાં કે સ્ત્રી-કુટુંબ-પરિવારમાં કયાંય રંચમાત્ર સુખ નથી. સુખ તો પ્રભુ! આત્મામાં છે. બહારમાં સુખ માને એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અરે! એ ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જશે!
અહીં સ્વરૂપના આચરણરૂપ જે ચારિત્ર છે તેમાં આનંદ-સુખ છે એમ કહે છે. સ્વરૂપમાં ચરવું એ ચારિત્ર છે. ‘स्वरूपे चरणं चारित्रं’ એ પ્રવચનસારમાં આચાર્ય ભગવંતનું કથન છે. એ ચારિત્ર મોક્ષ એટલે સુખના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય છે. દયા, દાન, વ્રત, તપ આદિના જે શુભભાવ છે તે ચારિત્રને રોકનાર છે. હવે આવી વાત સાંભળીને રાડ નાખી જાય છે માણસ-કે આ કયાંથી કાઢયું? ભાઈ! આ તો સીમંધર પરમાત્મા પાસેથી જે ભગવાન કુંદકુંદાચાર્ય સંદેશો લાવ્યા એ વાત છે, નવીન તો કાંઈ નથી. તને ન બેસે તો શું થાય? સૌ પોતપોતામાં સ્વતંત્ર છે. અનાદિથી એને સત્ય બેઠું જ નથી ત્યારે તો તે વિપરીત માન્યતામાં રોકાઈને ભવભ્રમણ કરી રહ્યો છે.
આ સ્વરૂપમાં રમણતારૂપ જે ભાવ છે તે ચારિત્ર છે. તેને રોકનાર કષાય-શુભભાવ છે. તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી એટલે પ્રગટ થવાથી આત્માને અચારિત્રીપણું છે. શુભભાવની પ્રગટતાથી આત્માને અચારિત્રીપણું છે. તેથી કહે છે-‘માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયીભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ લ્યો, એ વિકારી શુભભાવ નિષેધવામાં આવ્યો છે. એટલે કે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી; પરંતુ ધર્મથી વિરુદ્ધ સ્વભાવવાળો છે તેથી શુભભાવ નિષેધ્યો છે. ધર્મીને શુભભાવ આવે ખરો, પણ એને એ ધર્મ નહિ પણ હેય માને છે. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે.
‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે.’