સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૩ પ્રગટયું છે તે વૃદ્ધિ પામતું થકું પૂર્ણતાનું એટલે મોક્ષનું પરંપરા કારણ થાય છે. પણ એની સાથે જે સહકારી શુભભાવ એને બાકી રહે છે, જેને એ શુદ્ધ ચૈતન્યસ્વભાવના ઉગ્ર આશ્રય વડે ક્રમશઃ ટાળતો જાય છે તેને ઉપચારથી આરોપ કરીને મોક્ષનું પરંપરા કારણ કહ્યો છે. તે વાસ્તવિક પરંપરા કારણ છે નહિ. નિશ્ચયથી રાગ મોક્ષનું સાક્ષાત્ કે પરંપરા કારણ હોઈ શકે નહિ. જુઓને! અત્યારે તો લોકો એને જ વળગી પડયા છે કે પરંપરા કારણ કહ્યું છે ને? ભાઈ! ઉપચાર કથનને પણ જેમ છે તેમ યથાર્થ સમજવું પડશે ને! અહીં તો કહે છે કે તે ઘાતક છે, બંધસ્વરૂપ છે અને વિપરીત ભાવસ્વરૂપ છે. આ યથાર્થ છે.
‘આ પ્રમાણે એમ બતાવ્યું કે-કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.’
જુઓ, લોકો કહે છે કે-વ્રત, તપ, દાન, શીલ ઇત્યાદિ કરીએ એટલે ધર્મ થઈ જાય. તો અહીં કહે છે કે જે શુભકર્મ સ્વયં બંધસ્વરૂપ છે એ કરતાં કરતાં ભગવાન! તને અબંધ પરિણામ કયાંથી થશે? (નહિ થાય). એ તો અબંધ પરિણામનું ઘાતક છે, વિરોધી છે અને તેથી નિષિદ્ધ છે. આકરી વાત, ભાઈ! જ્ઞાનીએ તો અંદર આનંદનો નાથ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી ભગવાન પડયો છે તેને ઉપાદેય કર્યો છે અને એને જે શુભાશુભ રાગ આવે છે તેને એ હેય તરીકે જાણે છે. દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ આવે તેને તે હેયરૂપ જ્ઞેય તરીકે જાણે છે. જ્ઞેય તો ત્રણે છે; ત્રિકાળી શુદ્ધ આત્મા જ્ઞેય છે, મોક્ષમાર્ગના પરિણામ જ્ઞેય છે અને પુણ્ય-પાપના ભાવ પણ જ્ઞેય છે પણ એક જ્ઞેય ત્રિકાળી શુદ્ધ પોતાની વસ્તુ આદરવા લાયક ઉપાદેય છે, એક જ્ઞેય વર્તમાન શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ પ્રગટ કરવા યોગ્ય છે અને એક જ્ઞેય પુણ્ય-પાપના ભાવ બંધરૂપ હોવાથી હેય છે. જાણવાનું હોય ત્યાં તો બધું જાણવું જોઈએ ને? સવારમાં આવ્યું હતું ને કે તત્ત્વ - અતત્ત્વને જાણીને તત્ત્વમાં લીન થવું. પણ અરે! અત્યારે તો આત્મા શું ચીજ છે એ સમજવાનું મૂકીને બહારની (ક્રિયાકાંડની) બધી વાતો ચાલે છે!
પ્રશ્નઃ– દિગંબર હોય એ તો સમજે જ ને?
ઉત્તરઃ– ભાઈ! દિગંબર કહેવું કોને? જયપુરમાં એક પંડિત હતા તે કહેતા હતા કે દિગંબરમાં જન્મ્યા એ બધા ભેદજ્ઞાની જ છે. એમ સ્થાનકવાસીમાં પણ કહેતા કે જે સ્થાનકવાસી છે તે બધાને સમ્યગ્દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા તો છે, હવે વ્રત પાળે એટલે ચારિત્ર. સ્થાનકવાસીની શ્રદ્ધા ગણધર જેવી છે એમ કહેતા. બાપુ! એ શ્રદ્ધા ગણધર જેવી કોને કહેવી? ભાઈ! અંદર વસ્તુ પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળ છે તેને જ્ઞાનમાં જ્ઞેય કરીને ઉપાદેય ન કરે ત્યાંસુધી એને સમ્યગ્દર્શન-જ્ઞાન નથી. તો પછી એને વ્રત, તપ અને ચારિત્ર કયાંથી હોય? (હોતાં જ નથી). અજ્ઞાની જે વ્રત ને