૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હો, હાથીનો દેહ હો કે મોટા મત્સ્યનો હજાર યોજનનો દેહ હો; પણ અંદર તો આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપે વિરાજી રહ્યો છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભેદનું લક્ષ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરતાં મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય છે. હવે આવી કલ્યાણની વાતને લોકો એકાન્ત કહે છે; શું થાય?
પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે-પુણ્ય-પાપમાં વિશેષ (-ફેર) કાંઈ નથી છતાં વિશેષ (-ફેર) છે એમ જે માને તે મોહથી ઢંકાયેલો થકો ઘોર સંસારમાં રખડે છે. આવું સ્પષ્ટ હોવા છતાં એની ગાથા ૪પ માં ‘पुण्णफला अरहंता’ એમ જે પાઠ છે એનો ‘પુણ્યના ફળ તરીકે અરિહંતપદ મળે છે’ એવો અર્થ કરે છે. અરે ભગવાન! ગાથાનું મથાળું તો જુઓ! ત્યાં એમ કહ્યું છે કે-
‘अथैवं सति तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कर एवेत्यवधारयति’ તીર્થંકરને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એટલે કાંઈ કરતો નથી એમ નક્કી કરે છે. હવે આવે ચોકખો પાઠ છે છતાં કોઈ પંડિતો પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એમ કહે છે! ભારે વિચિત્ર! આમાં તો પુણ્યના અતિશય મળે એની વાત છે; પણ આત્માને એ પુણ્ય કાંઈ કરતું નથી એમ કહે છે. અરિહંતપદમાં જે સમોસરણની રચના, દિવ્યધ્વનિ, વિહાર વગેરે ક્રિયા છે એ પુણ્યનું ફળ છે, અતિશય છે. એ બધી ઉદયની ક્રિયા છે તે મોહાદિથી રહિત હોવાથી તેને ક્ષાયિકી કહી છે. મતલબ કે ક્ષણેક્ષણે જે ઉદયભાવ છે તે ક્ષણેક્ષણે નાશ પામે છે કેમકે ત્યાં મોહભાવ છે નહિ. એટલે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે એ વાત ત્યાં કહી છે. તેમા હવે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એવી વાતને કયાં અવકાશ છે? (નથી).
હવે કહે છે-‘सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन् સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું ‘नष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसम्’ નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું ‘ज्ञानं स्वयं धावति’ જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
પુણ્ય-પાપના ભાવ જે વિભાવ છે તે સર્વનો ત્યાગ થતાં સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે પરિણમવાથી, નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ સંકળાયેલો છે તે જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુઃખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબંધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે.