સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૮૯
પુણ્ય-પાપના ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતાં મોક્ષમાર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતીન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગટી છે, તેથી એ રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને-માતાને પિતાને કે મોટાભાઈને ગણતો નથી, તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ-શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયાં છે તે રાગને અવગણીને અતીન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીન- તરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસના સ્વભાવથી છલોછલ ભરેલો છે. તેનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય તે તે ઉદ્ધત (ઉત્કટ) આનંદના રસથી સંકળાયેલું છે. અહા! સમ્યગ્દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યગ્જ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે અને સમ્યક્ચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આવી વાત છે.
અરે! લોકો ચારિત્રને દુઃખરૂપ કહે છે! ચારિત્ર તો મીણનાં દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે! પણ ભાઈ! એમ નથી. ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે. એ દુઃખરૂપ કેમ હોય? ચારિત્રને દુઃખરૂપ માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. છહઢાલામાં કહ્યું છે ને કે-
એટલે કે જેઓ મિથ્યાદ્રષ્ટિ છે તેઓ એમ માને છે કે ચારિત્ર કષ્ટદાયી છે. અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતીન્દ્રિય આનંદના ઉદ્ધતરસથી સંકળાયેલું છે.
‘ज्ञानं स्वयं धावति’ એમ કહ્યું છે ને? મતલબ કે નિર્મળ પરિણમન સ્વયં પ્રગટ થાય છે; એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. કષાયની મંદતારૂપ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે એ તો ઉપચારથી વ્યવહારનયનું કથન કરેલું હોય છે. અહીં તો ચોખ્ખું આવ્યું છે કે-એવું જ્ઞાન આપોઆપ દોડયું આવે છે. પુણ્ય-પાપથી રહિત અંદરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપરમણતાની પરિણતિ આપોઆપ દોડી આવે છે. હવે આવી વાત વાંચે નહિ, વિચારે નહિ અને પોતાનો પક્ષ છોડે નહિ; પણ શું થાય? ભાગ્યશાળી હોય એના કાને આવી વાત પડે. જેને અંતરમાં બેસી જાય એની તો વાત જ શી? અહીં એમ કહે છે કે-વ્રતાદિ શુભકર્મ દુઃખથી સંકળાયેલું છે અને પુણ્ય-પાપ રહિત આત્માના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે, કેમકે ભગવાન આત્મા એકલા આનંદનું ઢીમ છે.
પ્રવચનસારમાં જ્ઞેય અધિકારમાં આવે છે કે દરેક દ્રવ્યની પર્યાય દોડતી એટલે એક પછી એક ક્રમસરથી દોડતી આવે છે. એમ અહીં કહે છે કે મોક્ષના કારણભૂત