૨૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઊખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.’
જુઓ, કર્મ તો એક જ જાત છે; શુભ અને અશુભ ભાવ બન્નેથી બંધન થતું હોવાથી કર્મ એક જ જાત છે. તોપણ શુભભાવની જાત જુદી અને અશુભભાવની જાત જુદી; પુણ્યબંધની પ્રકૃતિ જુદી અને પાપબંધની પ્રકૃતિ જુદી એમ કર્મ ભેદરૂપ થઈને નાચતું હતું, પરિણમતું હતું અને જ્ઞાનને એટલે આત્માને ભુલાવી દેતું હતું. શુભભાવ ઠીક અને અશુભ અઠીક-એમ ભેદરૂપ થઈને કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માને ભુલાવી દેતું હતું. (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઠીક અને શુભાશુભકર્મ અઠીક એમ ભેદ પાડવા જોઈએ એને બદલે શુભ ઠીક અને અશુભ અઠીક એમ ખોટા ભેદ પાડીને કર્મ જ્ઞાનને ભુલાવી દેતું હતું). હવે તે કર્મને પોતાની શક્તિથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના પુરુષાર્થથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.
‘આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે.’
લ્યો, લોકોને આમાંય વિવાદ; એમ કે કેવળજ્ઞાનનો અંશ આ હોય? કેવળજ્ઞાન પ્રગટે તે પૂર્ણરૂપે પ્રગટે છે, તો એનો વળી અંશ કેવો? કેમકે કેવળજ્ઞાનાવરણીય ઘાતી કર્મની પ્રકૃતિ તો સર્વઘાતી છે, તે ટળે તો એકી સાથે ટળે, એનો થોડો અંશ કાંઈ ઉઘડે નહિ. વળી મતિ- શ્રુતજ્ઞાનાવરણીય દેશઘાતી પ્રકૃતિ છે, તેનો ઉઘાડ એ તો ક્ષયોપશમનો અંશ છે. એને કેવળજ્ઞાનનો-ક્ષાયિકનો અંશ કેમ કહેવાય?
સમાધાનઃ– મતિ-શ્રુતજ્ઞાનનો જે અંશ સમ્યક્ પ્રગટ થયો તેને કેવળજ્ઞાનનો અંશ કહ્યો કેમકે બન્ને એક જ સમ્યગ્જ્ઞાન (શુદ્ધ ચૈતન્યની)ની જાતિના જ છે. મતિ-શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે અને તે અંશ વધી વધીને કેવળજ્ઞાન થશે. જેમ બીજનો ચંદ્ર ઉગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્રને બતાવે છે. તેમ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ પૂર્ણ કેવળજ્ઞાનને બતાવે છે.
મતિ-શ્રુતજ્ઞાન પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભભાવ પ્રગતિ નથી કરતા કેમકે એ તો વિકાર છે. શુભાશુભભાવરહિત જે નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ છે તે અંશ વધતો-વધતો પરિપૂર્ણ કેવળજ્ઞાનરૂપ થાય છે. જેમ બીજની ત્રીજ, ચોથ, પાંચમ,.. . વગેરે થઈને પૂનમ થાય તેમ મતિ-શ્રુતનો અંશ વધી-વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. તેથી એમ કહ્યું છે કે- ‘‘જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે.’’