Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1681 of 4199

 

૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્ત્રવણનાં (-આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્ત્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્ત્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) આસ્ત્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસ્ત્રવો છે. અને તે તો (-રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળેછે.)

ભાવાર્થઃ– જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્ત્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વા-

દિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્ત્રવો છે. વળી તેમને કર્મ- આસ્ત્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્ત્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્ત્રવો હોય છે.

* * *

આસ્રવ અધિકાર

શુભ અને અશુભભાવ બન્ને આસ્રવ છે. તેના સ્વરૂપને જાણીને આત્મા તેને જીતે છે તેનો આ અધિકાર છે.

‘‘દ્રવ્યાસ્રવથી ભિન્ન છે, ભાવાસ્રવ કરી નાશ;
થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.’’

આત્મા દ્રવ્ય એટલે જડ આસ્રવથી ત્રિકાળ જુદો છે. પરમાણુ-રજકણો તો અજીવ અચેતન છે અને એનાથી ચૈતન્યમહાપ્રભુ આત્મા જુદો જ છે. તથા ભાવાસ્રવ જે પુણ્ય-પાપના વિકારી ભાવો-તેમનો સ્વભાવના આશ્રયે જેમણે નાશ કર્યો અને પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત થઈ જેઓ પરમાત્મપદ-‘ણમો સિદ્ધાણં’ પદને પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા તેમને હું અતીન્દ્રિય આનંદની-સુખની અભિલાષાથી નમન કરું છું-એમ કહે છે.

જુઓ, નમન કરું છું-એમ જે વિકલ્પ છે એ તો શુભરાગ છે, પણ અભિલાષા તો અંદર નિરાકુળ આનંદની પ્રાપ્તિની છે. નમન કરવાથી-વિકલ્પથી થાય એમ નહિ, પણ કથનમાં બીજી શૈલી શું આવે? (થશે તો સ્વાશ્રયે જ)

પુણ્ય થશે અને તેથી સ્વર્ગાદિ મળશે અને આ ધૂળના (-લક્ષ્મીના) ઢગ મળશે એવી પુણ્યના સુખની અભિલાષાથી નમું છું એમ લીધું નથી.