૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહીં પ્રથમ ટીકાકાર કહે છે કે-‘‘હવે આસ્રવ પ્રવેશ કરે છે.’’
‘જેમ નૃત્યના અખાડામાં-નાટકશાળામાં નૃત્ય કરનાર પુરુષ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે.’ પુણ્ય અને પાપ બેઉ આસ્રવ છે, નવાં આવરણ આવવાનું કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો અંદર પાણી આવે છે તેમ ભગવાન આત્મામાં પુણ્ય-પાપરૂપ છિદ્ર પડતાં સ્વર્ગાદિનું આવરણ આવે છે.
‘તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યગ્જ્ઞાન છે.’ નાટકમાં જેમ પ્રથમ નારદ સ્વાંગ લઈને આવે છે અને બોલે છે- ‘બ્રહ્માસુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું’ એમ અહીં નાટકમાં એમ આવે છે કે- ‘બ્રહ્માસુત હું જ્ઞાન કહાવું, જ્યાં તીર્થંકર ત્યાં સંગ કરાવું.’ એમ કે પુણ્ય-પાપનો પ્રેમ તોડવીને હું ભગવાન સાથે પ્રીતિ કરાવું. ભગવાન આત્માની રુચિ કરાવું. અહો! વીતરાગતાના નાટકની શરૂઆત આ રીતે થાય છે.
એવા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
‘अथ’ હવે ‘समररङ्गपरागतम्’ સમરાંગણમાં આવેલા, ‘महामदनिर्भरमन्थरं’ મહામદથી ભરેલા મદમાતા ‘आस्रवम्’ આસ્રવને ‘अयम् दुर्जयबोधधनुर्धरः’ આ દુર્જય જ્ઞાનબાણાવળી ‘जयति’ જીતે છે.
શું કહ્યું આ? આ સમયસાર નાટક છે ને? એમાં આસ્રવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો છે તેને ભારે અભિમાન ચઢી ગયું છે. એમ કે-મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને ૨૮ મૂલગુણના પાળનારા એવા દિગંબર સાધુઓને (દ્રવ્યલિંગીઓને) પણ પછાડયા છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. તો તારી તો શું વિસાત? આખા જગત પર જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું. એમ આસ્રવને ખૂબ મદ ચઢી ગયો છે. અહીં કહે છે-આવા એ આસ્રવને, દુર્જય એટલે જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન-બાણાવળી જીતે છે.
ભગવાન આત્મા ચિદાનંદમય શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. એમાં એકાગ્ર થઈ જેણે અંતરમાં જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનરૂપી દુર્જય બાણાવળી છે. પુણ્ય-પાપરહિત ભગવાન આત્માનું જ્ઞાન કર્યું એ મહાન બાણાવળી છે. ક્રમે ક્રમે તે આસ્રવને પછાડે છે, જીતે છે, અને સંવરને પ્રગટ કરે છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિના પ્રહાર વડે એકાગ્રતાનું વેધક બાણ છોડી તે આસ્રવને જીતી લે છે.