સમયસાર ગાથા-૧૬૪-૧૬પ ] [ ૨૨૩
જુઓ, આસ્રવને અભિમાની યોદ્ધો કહ્યો, અને બોધને (સમ્યગ્જ્ઞાનને) દુર્જય ધનુર્ધર- બાણાવળી કહ્યો. પુણ્ય-પાપમાં એકાગ્ર થતાં પ્રગટ થયેલો એ આસ્રવ વિકાર, વિભાવ, દુઃખ અને સંસારનું કારણ હતો. તેને અવગણતાં અને આનંદના નાથ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં પ્રગટ થયેલું જે જ્ઞાન-તે દુર્જય બાણાવળી આસ્રવને જીતી લે છે અને એક પછી એક એમ ક્રમશઃ સંવર અને નિર્જરા પ્રગટ કરે છે, શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ કરે છે. અહાહા...! વસ્તુસ્વભાવ જે પૂરણ ચૈતન્યકંદ પ્રભુ છે તેમાં દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં જે જ્ઞાનધારા અને આનંદધારા પ્રગટ થઈ તે દુર્જય બોધ-બાણાવળી છે.
અગાઉ જે પરિણામમાં પુણ્ય-પાપ થતા તે પરિણામે સંવરને જીતી લીધો હતો. હવે તે પરિણામને (આસ્રવને) અવગણીને જે પરિણામ શુદ્ધ ચિદ્રૂપમાં મગ્ન થયા તે જ્ઞાનના પરિણામ અશુદ્ધતાને-આસ્રવને જીતી લે છે. ગજબ વાત છે, ભાઈ! જેમ અર્જુન અને રામનાં બાણ પાછાં ન ફરે, દુશ્મનને જીતીને જ રહે; તેમ પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન અંદર આખો ચિદાનંદ ભગવાન ત્રિકાળી પડયો છે એનો સ્વીકાર થતાં જે શ્રદ્ધાન-જ્ઞાન અને આનંદની ધારા પ્રગટ થઈ તેણે આસ્રવને જીતી લીધો છે, ખતમ કર્યો છે.
પરદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આસ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન-બાણાવળી જીતી જ લે છે. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ (-જ્ઞાન) જીતી લે છે. આ એક જ આસ્રવને જીતવાનો-હઠાવવાનો પ્રકાર છે.
અહાહા...! સ્વ એટલે આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદરસના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં જેવાં તુચ્છ ભાસે છે. અહા! જેમાં દુનિયા-મૂઢ જીવો મઝા માને છે તે વિષયો જ્ઞાનીને ફીકા-વિરસ અને ઝેર જેવા લાગે છે. આવાં જ્ઞાન-આનંદ જેને પ્રગટ થયાં છે તે જ્ઞાન-બાણાવળી છે અને તે આસ્રવને જીતી લે છે. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર-જ્ઞાન કે બીજા જાણપણાની વાત નથી. આ તો નિર્વિકાર સ્વસંવેદનપૂર્વક પ્રગટ થયેલા સમ્યગ્જ્ઞાનની વાત છે. પુણ્ય-પાપના ભાવથી રહિત એક જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સમકિતધારા, આનંદધારા, સ્વસંવેદનધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતી લે છે; અને આ ધર્મ છે.
બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે. અહા! આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો કાઢીને આપે એવો છે. અહાહા...! ભગવાન આત્મા અંદર એકલો આનંદ અને પુરુષાર્થનો દરિયો છે, સ્વભાવનો અનંતો સાગર છે. ગુણોનું ગોદામ છે. એમાં