૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી પડી છે. આવા ચૈતન્યરત્નાકરમાં નિમગ્ન થઈને જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતવા જેટલો જોઈએ એટલો પુરુષાર્થ પૂરો પાડે એવો છે.
વળી તે ગંભીર છે. ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓનો પિંડ છે. તેના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન અનંત શક્તિઓ સહિત ઉછળે છે તેવું ગંભીર છે. તેના આનંદ આદિ સ્વભાવો સાથે જ ઉછળે છે. અહાહા...! તે અપાર-અપાર-અપાર છે. છદ્મસ્થ-આવરણમાં રહેલા અલ્પજ્ઞ જીવો તેનો પાર પામી શકતા નથી તેવો તે છે.
જુઓ, આસ્રવ અધિકાર શરૂ કરતાં આસ્રવને જીતનાર સમ્યગ્જ્ઞાનનું આ માંગલિક કર્યું. લોકો બહાર રળવા જાય કે પરણવા જાય ત્યારે માંગલિક સંભળાવો-એમ કહે છે ને? હવે એ તો બધા એકલા પાપના ભાવો છે. એમાં શું માંગલિક કરવું? અમંગળનું વળી માંગલિક શું? અહીં તો એનું માંગલિક કર્યું જેણે પુણ્ય-પાપ રહિત થઈને શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માનો અનુભવ પ્રગટ કર્યો અને આસ્રવને જીતી લીધો. અહાહા...! જે જ્ઞાન આત્માનો અનુભવ કરે અને તેની (આત્માની) યાદદાસ્ત ધારણામાં રહી ગઈ છે તે આસ્રવને જીતે છે અને તે મંગળ છે. અહા! સાંભળીને કે વાંચીને નહિ પરંતુ અનુભવ કરીને યાદગીરી પ્રાપ્ત કરી છે તે આસ્રવને જીતે છે.
બીજે ઠેકાણે આવે છે ને કે-શ્રુતજ્ઞાનની ધારા કેવળજ્ઞાનને બોલાવે છે. એમ કે-પૂર્ણજ્ઞાન જે મારો સ્વભાવ છે તે પર્યાયમાં આવો, આવે, આવો. આવો ગંભીર આત્માનો સ્વભાવ છે અને આવું ગંભીર આત્માનું સમ્યગ્જ્ઞાન છે. છદ્મસ્થ અલ્પજ્ઞ જીવો ઉપલક દ્રષ્ટિ વડે તેનો પાર પામી શકતા નથી એવું એ અપાર ગંભીર છે. અહો! સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા! એની જે જાગૃત દશા થઈ તેની મહાન ઉદારતા અને અપાર ગંભીરતાની શી વાત!
‘અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે- ‘‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે.’’
જુઓ, શુભાશુભ ભાવ છે તે અશાંત રસ છે. આસ્રવ છે તે અશાંત રસ છે. અને ભગવાન આત્માનાં જ્ઞાન અને ધ્યાન એ શાંત રસ છે. અહીં છે તો શાંત રસનું, અકષાય રસનું, ઉપશમ રસનું, વીતરાગ રસનું વર્ણન; પણ અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને વર્ણન કર્યું છે કે-‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે.’ મૂળ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિમગ્ન થતાં આસ્રવ મટે છે અને જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય છે. અહીં આ વાતને અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને કહ્યું કે જ્ઞાન આસ્રવને જીતે છે.