સમયસાર ગાથા-૧૬૪-૧૬પ ] [ ૨૨પ
હવે આમાં કોઈને એમ થાય કે આ તે વળી કેવો ધર્મ? દરિદ્રીને દાન દેવું, ભૂખ્યાને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું અને ચિકિત્સાલયો બનાવવાં ઇત્યાદિ તો આમાં આવતું નથી.
અરે ભાઈ! તું દાન આદિ દેવાની વાત કરે છે પણ શું આત્મા એ બધું (-પરદ્રવ્ય) દઈ શકે છે? (ના). શું આત્મા ચિકિત્સાલયો બનાવી શકે છે? (ના). એ બધી પર દ્રવ્યની- પુદ્ગલની અવસ્થાઓ તો પોતપોતાના કારણે પોતપોતાના સમયે થયા કરે છે; તેનો કર્તા આત્મા કદીય છે નહિ. અહીં તો જન્મ-મરણના રોગને મટાડવાના ચિકિત્સાલયની વાત છે.
પૈસા કમાવા અને પૈસા દેવા ઇત્યાદિ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. એ તો પૂર્વનાં પુણ્ય હોય તો મળે છે. પૈસા કોઈ પુરુષાર્થથી કમાય છે એમ છે નહિ. એકમાત્ર શાંતરસ- ઉપશમરસ જીવ પોતાના પુરુષાર્થ વડે પ્રગટ કરી શકે છે અને તે ધર્મ છે, તે જન્મ-મરણ મટાડનારું ઔષધ છે.
અહીં કહે છે-‘આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે.’
ભલભલા અગિયાર અંગના પાઠીઓને પણ મેં પછાડયા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આસ્રવ સમરાંગણમાં આવી ઊભો છે. પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાનયોદ્ધો એનાથી મહા બળવાન છે. તે સ્વરૂપનો આશ્રય કરીને આસ્રવને જીતી લે છે, આસ્રવને મિટાવી દે છે. અહાહા...! પોતાના અનંતબળસ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન, પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો. વસ્તુ તો વસ્તુ સદા અનંતવીર્યસંપન્ન છે જ, આ તો એના આશ્રયે પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યોદ્ધો થયો કે તે આસ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી તેને અંતરમાં વાળી જ્ઞાનસ્વરૂપમાં મગ્ન કરતાં અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને તે કેવળજ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે.
આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ્ય કહો; એ તો સિદ્ધ પરમેશ્વરના સમાન જ છે. તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આસ્રવનો નાશ કરી પરમાત્મપદ-સિદ્ધપદને પ્રાપ્ત કરવાની આ વાત છે.
હું તો જ્ઞાતા-દ્રષ્ટા જ્ઞાનાનંદસ્વભાવી એક ચિન્માત્ર ભગવાન આત્મા છું, પુણ્ય-