૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પાપ એ મારું સ્વરૂપ નહિ, મારું કર્તવ્ય પણ નહિ. આમ જાણીને જે સ્વરૂપના અંતરમાં નિમગ્ન થાય છે, એકાગ્ર થાય છે તે આસ્રવને જીતે છે અને એ જ ધર્મ છે. આવી વાત છે.
હવે આસ્રવનું સ્વરૂપ કહે છેઃ-
‘આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે.’
રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે એટલે પોતાના પરિણામના આશ્રયે થાય છે; અને તેથી તેઓ જડ નથી. અહીં પ્રથમ આસ્રવો જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરવું છે. આસ્રવો વાસ્તવિક ચૈતન્યનું સ્વરૂપ તો નથી, પણ તેઓ જીવની પર્યાયમાં ચિદ્વિકારપણે થાય છે માટે તેઓ ચિદાભાસ છે.
જુઓ, સમયસાર, ગાથા ૭૨ માં એમ કહ્યું કે-પુણ્ય-પાપરૂપી આસ્રવો જડ છે, તે જીવનો ચૈતન્યસ્વભાવ નથી. ત્યાં શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે અને આસ્રવો પોતે પોતાને જાણતા નથી, પરને જાણતા નથી પણ તેઓ પર વડે (જીવ વડે) જણાય છે માટે તેઓ જડ છે એમ ત્યાં કહ્યું છે.
અહીં કહે છે કે-આસ્રવો જડ નથી. ‘अजडत्वे सति’ એમ ટીકામાં પાઠ છે ને! માટે તે ચૈતન્યના પરિણામ છે અને ચૈતન્યના (પર્યાયના) અસ્તિત્વમાં પોતાથી થાય છે. ગંભીર વાત. રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના કારણે-આશ્રયે થાય છે, એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી એમ અહીં સાથે સાથે સિદ્ધ કરે છે. અહા! રાગ તે ચૈતન્યની પરિણતિ છે માટે ચિદાભાસ એટલે ચૈતન્યનો અભાસ એવો ચિદ્વિકાર છે.
હવે એકકોર એમ કહે કે-આસ્રવો જડ, અશુચિ અને દુઃખનું કારણ છે અને અહીં કહે કે તેઓ જીવના પરિણામ છે-આ તે કેવી વાત!
ભાઈ! જ્યાં આસ્રવો જડ, અશુચિ અને દુઃખનું કારણ કહ્યા ત્યાં આસ્રવોનું કર્તાપણું છોડાવી શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરાવવી છે. ત્યારે અહીં તેઓ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરીને કર્મના ઉદયને લઈને તેઓ થાય છે એમ નથી એમ સિદ્ધ કરવું છે.
લોકો રાડ પાડે છે ને કે-વિકાર કર્મને લઈને થાય છે; સિદ્ધમાં કર્મ નથી તો વિકાર નથી, માટે કર્મ ન હોય તો વિકાર ન થાય અર્થાત્ વિકાર કર્મને લઈને થાય