Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1713 of 4199

 

૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

શું કહે છે? કર્મના ઉદયે ઉત્પન્ન મિથ્યાત્વનો વિકારી ભાવ એકવાર જીવથી છૂટા પડયા પછી જીવ સાથે ફરીને સંબંધ પામતો નથી. અહાહા...! સમ્યગ્દર્શન થઈને પછી એ પડી જાય એ વાત અહીં છે નહિ. જ્યાં રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનું જ્ઞાન કર્યું ત્યાં એ જ્ઞાનભાવમાં કર્મનો ઉદય આવે અર્થાત્ રાગ થાય તો પણ તે રાગની સાથે એકત્વબુદ્ધિ થતી નથી અને તેથી તે ઉદય ખરી જાય છે; પછી ફરીને બંધ થતો નથી. અહાહા...! આચાર્યદેવ પોતાનો અપ્રતિહત ભાવ દર્શાવે છે.

ભગવાન આત્મા રાગથી જુદો-અધિક શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ છે. આવા આત્માનું જ્યાં ભાન થયું ત્યાં રાગની એકતા તૂટી ગઈ. એટલે હવે કહે છે કે જ્ઞાનીને જે કર્મનો ઉદય આવે છે તે, ડીંટાથી ખરી ગયેલા પાકા ફળની જેમ ખરી જાય છે, કર્મ ફરીને ઉદયમાં આવતું નથી. ભગવાન જ્ઞાયકને રાગથી ભિન્ન અનુભવ્યો અને રાગના એકપણાથી જુદો પાડયો; એટલે હવે કહે છે કે જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે વડે કર્મની નિર્જરા થાય છે અર્થાત્ કર્મનો ઉદય જે આવે છે તે ખરી જાય છે અને જે ખરી ગયું તે ફરીને સંબંધ પામતું નથી. (મિથ્યાત્વ-દશા તો જે ગઈ તે ગઈ).

કર્મનો ઉદય ખરી જતાં એને રાગનો (-મિથ્યાત્વનો) બંધ થઈને વળી રાગથી એકત્વ થાય એવું જ્ઞાનીને બનતું નથી એમ કહે છે. જ્ઞાનીને જ્ઞાનનો ક્ષયોપશમભાવ છે. તેથી તેને કર્મનો ઉદય આવે છે પણ તે ખરી જાય છે, ફરીને ઉદયમાં આવીને બંધ કરતો નથી. અહાહા...! રાગની એકતા તોડીને જ્ઞાયકભાવની એકતા કરી છે જેણે તે જીવ હવે પડશે જ નહિ એવા અપ્રતિહતભાવની શૈલીથી અહીં વાત છે.

પ્રવચનસાર, ગાથા ૯૨ માં કહ્યું છે કે-આગમ કૌશલ્ય અને સ્વભાવના આશ્રય વડે આત્મજ્ઞાન દ્વારા મેં મિથ્યાત્વનો નાશ કર્યો છે તે ફરીથી મને ઉત્પન્ન થવાનો નથી. અહાહા...! ભગવાનના વિરહ હોવા છતાં પંચમ આરાના મુનિ આમ કહે છે! આચાર્ય મુનિવર કહે છે-ભલે ભગવાનના વિરહ છે, પણ અંદર મને મારા આનંદના નાથનો ભગવાનનો ભેટો થયો છે. મેં રાગથી ભિન્ન પડીને ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્માનો આશ્રય લીધો છે; હવે કર્મનો ઉદય આવે અને મને તેમાં એકત્વબુદ્ધિ થાય એ વાત છે નહિ.

કોઈને એમ થાય કે મુનિ છદ્મસ્થ છે, ભગવાન કેવળી પાસે ગયા નથી અને પંચમ આરો છે છતાં આટલું જોર! મુનિરાજ કહે છે કે હું મારા સમ્યક્ મતિશ્રુતજ્ઞાનના સામર્થ્યથી કહું છું, કેમકે ભગવાન આત્માના સમવસરણ-સમ્ કહેતાં સમ્યક્ પ્રકારે ગુણોનું ઉતરવું જેમાં થયું છે એવા અનંત અનંત ગુણોથી ભરેલા આત્મામાં હું ગયો છું. આવા ચૈતન્યમહાપ્રભુનું મેં શરણ લીધું છે તો હવે મને રાગમાં ફરીથી એકત્વબુદ્ધિ થાય એમ બનનાર નથી.

જુઓ, દ્રષ્ટિના વિષયમાં આસ્રવ નથી અને એવા અભેદસ્વરૂપની દ્રષ્ટિમાં પણ આસ્રવ નથી એમ અહીં સિદ્ધ કરવું છે.