સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨પ૩
પ્રવચનસારની ૪પ મી ગાથા ‘પુણ્ણફલા અરહંતા...નો આધાર લઈને કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે-પુણ્યને લઈને અરિહંતપદ મળે છે. પરંતુ આ વાત સાવ ખોટી છે. ત્યાં તો ગાથાનું મથાળુ જ આ છે કે-‘તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે’ અર્થાત્ સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી. ભાઈ! પુણ્યનું ફળ તીર્થંકરના આત્માને અકિંચિત્કર છે. તીર્થંકરને પુણ્યનો અતિશય ઉદય છે એ વાત જુદી છે પણ પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત તદ્ન ખોટી છે. ભાઈ! પોતાની મતિ-કલ્પનાથી મચડી-કચડીને ગાથાના અર્થ ન કરાય; એમ કરવાથી તને નુકશાન થશે પ્રભુ!
ત્યાં (પ્રવચનસારમાં) ગાથા ૭૭ માં તો એમ કહ્યું છે કે-પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો અર્થાત્ પુણ્ય અને પાપના પરિણામમાં જે ભેદ પાડે છે-પાપથી બંધ થાય અને પુણ્યથી લાભ થાય-એમ પુણ્ય-પાપમાં જે ભેદ પાડે છે તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાઈ! આ સિદ્ધાંત છે; સિદ્ધાંત તો બધે એકસરખો જ હોય.
ભગવાન કેવળીને જે દિવ્યધ્વનિ આદિ ક્રિયાઓ છે તે પુણ્યના વિપાકરૂપ છે અને તે ભગવાનના આત્માને અકિંચિત્કર છે એટલે બંધની કરનાર નથી પણ ક્ષાયિકી છે; ઉદય પ્રતિક્ષણ ક્ષય પામે છે એમ ત્યાં ગાથા ૪પ માં સિદ્ધ કર્યું છે. હવે આવું સ્પષ્ટ છે ત્યાં પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત કયાં રહી? (એ વાત યથાર્થ છે જ નહિ). ભાઈ! સિદ્ધાંતનો વિરોધ કરવા જતાં તો ભગવાન તારો જ વિરોધ થશે; પરનો વિરોધ તો કોણ કરી શકે છે?
અહીં કહે છે-કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. રાગથી ભિન્નતા અને ભગવાન જ્ઞાયકની એકતા થતાં જ્ઞાનભાવ પ્રગટ થયો ત્યારે જે કર્મનો ઉદય ઝરી ગયો અને મિથ્યાત્વભાવ મટી ગયો તે ફરીને થાય એ વસ્તુમાં છે નહિ. અહો! દિગંબર મુનિવરોને અંતરજ્ઞાનધારા અક્ષયધારા છે. ભાઈ! ચારિત્રદોષ જુદી ચીજ છે અને દ્રષ્ટિ-દોષ જુદી ચીજ છે. એકવાર દર્શન-દોષ (-મિથ્યાત્વ) નાશ પામ્યો અને જ્ઞાનભાવ પ્રગટ થયો પછી તે દર્શન-દોષ અને રાગની અસ્થિરતા જે નાશ પામ્યાં તે ફરીને નહિ થાય એમ કહે છે. આ તો ધારાવાહી અંર્ત-પુરુષાર્થની અપ્રતિહત પુરુષાર્થની અહીં વાત છે.
અહા! આ ભગવાન વીરનો માર્ગ વીરનો-શૂરાનો જ માર્ગ છે. કહ્યું છે ને કે-
વીરનો માર્ગ-ભગવાનનો માર્ગ શૂરાનો છે, અંર્ત-પુરુષાર્થથી ભાગનારા હીણપુરુષાર્થી કાયરોનું એમાં કામ નથી.