૨પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે કહે છે-‘આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.’
આ રીતે રાગના-પુણ્યના વિકલ્પથી એકરૂપ નહિ થયેલો એવો સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે. હું શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છું એવો વેદનરૂપ જ્ઞાનમયભાવ રાગાદિ સાથે એકત્વ નહિ થયેલો ઉત્પન્ન થાય છે. રાગ થાય છે પણ રાગ સાથે જ્ઞાનભાવ એકત્વ પામતો નથી. ચોથે ગુણસ્થાને આ સ્થિતિ હોય છે એમ વાત છે.
કોઈ જ્ઞાનીને ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યગ્દર્શન થયું હોય અને તેને તીર્થંકર ગોત્ર બાંધે એવો જે ભાવ થાય તે અપરાધ-ગુન્હો છે. સમ્યગ્દ્રષ્ટિને તે શુભભાવ અપરાધ છે. તે ભાવ જ્ઞાનમયભાવથી પૃથક્ છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે, અને ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. પણ તે શુભભાવ અપરાધ છે. જ્ઞાનીનો જ્ઞાનભાવ એવા રાગ સાથે પણ એકત્વ નહિ કરતો થકો ઉત્પન્ન થયેલો હોય છે.
ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વરનો સર્વજ્ઞનો માર્ગ છે. ભગવાન આત્માનો ‘જ્ઞ’ સ્વભાવ જ છે. એમાં અપૂર્ણતા કેવી? ‘જ્ઞ’ સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-એક જ વાત છે. જેને પર્યાયમાં સર્વજ્ઞસ્વભાવ પ્રગટ થયો તેને વિશ્વનું જેટલું (અનંત) જ્ઞેય છે તે સમસ્ત પર્યાયમાં-કેવળજ્ઞાનમાં જણાય છે. એથી અનંતગણું જ્ઞેય હોય તોપણ તેને જાણી લે એવું સ્વભાવનું અને કેવળજ્ઞાન પર્યાયનું સામર્થ્ય છે. આવું સ્વભાવનું પરિપૂર્ણ સામર્થ્ય છે.
હવે આમાંય લોકો વાંધા ઉઠાવે છે કે-જ્ઞેય વિશેષ નથી માટે જ્ઞાન વધારે નથી અર્થાત્ નિમિત્ત નથી એટલે ભગવાન જાણતા નથી. નિમિત્ત હોય તો જાણે.
અરે ભાઈ! નિમિત્તને જાણવું કહેવું એ તો અસદ્ભૂત ઉપચરિત વ્યવહાર નય છે, કેમકે પરને જાણતાં પરમાં તન્મય થઈને જાણતા નથી. સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાનમાં પણ એટલી તાકાત છે કે પરજ્ઞેયને જાણતાં તે પરજ્ઞેયમાં તન્મય થઈને જાણતું નથી. પોતાના જ્ઞાનમાં તદ્રૂપ થઈને પોતાને જાણે છે તેમાં પરજ્ઞેય જણાઈ જાય છે. પરજ્ઞેયને જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે. જણાય છે તે યથાર્થ છે.
પ્રશ્નઃ– સર્વજ્ઞ પરને જાણે છે તે અસદ્ભૂત વ્યવહાર નય છે તો તે પરને જાણે છે તે જૂઠું ઠર્યું; તો પરને જાણવું સર્વજ્ઞપણામાં રહેતું નથી?
ઉત્તરઃ– એમ નથી, સાંભળને ભાઈ! આત્માનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પોતાનો પોતાથી જ છે, પરને લીધે નથી. પરજ્ઞેયને જાણનારું જ્ઞાનનું પરિણમન પોતાનું પોતાથી જ થયું છે, પરજ્ઞેયના કારણે થયું નથી. પરજ્ઞેયને જાણવાના કાળે ખરેખર પરજ્ઞેય જણાય છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું સ્વપરપ્રકાશક જ્ઞાન જ જણાય છે. પરજ્ઞેયને